Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

નાણા મંત્રાલયે જારી કર્યો આર્થિક રિપોર્ટ

બીજી લેહરના પ્રેશરમાંથી ઇકોનોમી બહાર આવીઃ દરેક ક્ષેત્રમાં જોવાય છે સુધારો

૬.૫ ટકાના દરે વધી રહી છે લોનની માંગ

નવી દિલ્હી, તા.૧૧: કોવિડ ૧૯ની બીજી લહેરના દબાણથી ભારતીય અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બહાર આવી ચૂકી છે અને દરેક ક્ષેત્રમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. નાણાં મંત્રાલયે મંગળવારે બહાર પાડેલ આર્થિક રિપોર્ટમાં કહ્યું કે કર વસૂલાતથી માંડીને ખપત અને નિકાસ સુધીના દરેક ક્ષેત્રમાં ગતિવિધીઓ વધી છે. જો રસીકરણની ગતિ ઝડપી રહેશે તો વિકાસ દર પર કાબૂ મેળી લેશું.

મંત્રાલયે કહ્યું કે જીએસટી અને અન્ય કર વસૂલાત વધવાથી રાજકોષીય દબાણ ઘટશે. આપણે બીજી લહેરના દબાણને તો બહુ ઓછું કરી નાખ્યું છે પણ જો ત્રીજી લહેર આવે તો ઝડપી રસીકરણ અને બચાવના પ્રોટોકોલ જ મદદરૂપ થશે. જો મોંઘવારીને એક તરફ રાખીએ તો અન્ય દર ૬ ટકાની ઉપર ગયો છે તે ચિંતાનો વિષય છે. આના સિવાય, મૂડીબજાર રોજ નવા રેકોર્ડ બનાવે છે, મ્યુચ્યલ ફંડ રોકાણ, લોનનો વૃધ્ધિ દર ઝડપથી વધી રહ્યો છે, બિન ખાદ્ય ક્ષેત્રમાં લોનનો દર ૬.૫ ટકા રહ્યો  જે છેલ્લા સાડા ચાર મહિનામાં સૌથી વધારે છે.

આત્મનિર્ભર ભારત પેકેજની મદદથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ગતિવિધીઓ વધી છે અને ઉત્પાદનમાં તેજી આવી છે. મંત્રાલયે કહ્યું કે જૂન, ૨૦૨૧ ત્રિમાસીકમાં આર્થિક ગતિવિધીઓ એક વર્ષ પહેલાની સરખામણીમાં બહુ મજબૂત સ્થિતીમાં છે. કર વસૂલાત ગયા વર્ષની સરખામણીમાં ૨૬.૩૦ ટકા વધારે છે. તેનાથી રાજકોષીય ખર્ચ અને આવક વચ્ચે સંતુલન બનાવવામાં મદદ મળશે.

(12:48 pm IST)