Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કૃષિ જગતમાં થશે ક્રાંતિ :' નેનો યુરિયા 'નો વિશ્વમાં વાગશે ડંકો :અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં કરાશે નિકાસ

ઇફ્કો દ્વારા વિકસિત નેનો યુરિયા લિક્વિડની ઘણા દેશોમાં માગ હોવાથી સરકારે તેની નિકાસ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : કૃષિ જગતમાં ક્રાંતિ લાવવાની શક્યતાઓથી ભરપૂર ભારતનું ‘નેનો યુરિયા લિક્વિડ ‘ વિશ્વમાં ડંકો વગાડશે. ભારત હવે નેનો યુરિયા લિક્વિડને અમેરિકા, યુરોપ સહિત ઘણા દેશોમાં નિકાસ કરશે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા વિકસિત નેનો યુરિયા લિક્વિડની ઘણા દેશોમાં માગ છે. આ સ્થિતિમાં સરકારે તેની નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે, કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે એક વર્ષમાં ‘નેનો યુરિયા લિક્વિડ’ ખાતર કુલ ઉત્પાદનના 20 ટકાથી વધુ નિકાસ કરવામાં આવશે નહીં. અહેવાલો અનુસાર, 15 કરોડ બોટલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સામે આ વર્ષે 30 લાખ બોટલની નિકાસ કરવામાં આવશે. યુરોપિયન દેશો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ, કેન્યા, તાંઝાનિયા અને કેનેડા સહિત અન્ય દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરવામાં આવશે.

  ખાતર મંત્રાલયે ખાતર વિભાગના ઇફ્કોએ લીકવીડ નેનો યુરિયાની નિકાસ માટે મંજૂરી આપી છે. ગત 31 મેના રોજ ઇફકોએ તેની 50 મી વાર્ષિક સામાન્ય સભામાં ખેડૂતોને વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ઓફર કરી હતી. 1 જૂન, 2021 થી ઇફકોએ તેના કલોલ યુનિટમાં નેનો યુરિયાનું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું. અહીં દરરોજ નેનો યુરિયાની 1.5 લાખ બોટલનું ઉત્પાદન થઈ શકે છે.

(11:43 am IST)