Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

'વેપારી દંડ સાથે રકમ ભરવા તૈયાર હોય તો જીએસટી નંબર તાત્કાલિક શરૂ કરો'

વેપારીઓના હિતમાં ઓરીસ્સા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી તા. ૧૧ : બે કે વધુ રિટર્ન નહીં ભરનારનો જીએસટી નંબર રદ કરાય અને સમયમર્યાદામાં અરજી નહીં કરનાર વેપારીએ અપીલમાં જવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, તેમાં પણ નંબર શરૂ કરવામાં લાંબો સમય લાગે છે. આવા કિસ્સામાં ઓરીસ્સા હાઇકોર્ટે વેપારી દંડ સહિતની રકમ ભરવા તૈયાર હોય તો તાત્કાલિક નંબર શરૂ કરી દેવા માટેનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

કોરોનાના સમય દરમિયાન અનેક વેપારીઓ નિયમિત રીટર્ન ભરી શકયા નથી. જેથી આવા વેપારીઓના નંબર રદ કરી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. કારણ કે જીએસટી નંબર રદ થયા બાદ જીએસટીના ઉચ્ચ અધિકારી દ્વારા ૯૦ દિવસની સમયમર્યાદામાં નંબર ફરી શરૂ કરવાની સત્તા છે. જયારે ત્યાર બાદ અપીલમાં જ જવુ પડતુ હોય છે. પરંતુ વેપારી ૯૦ દિવસમાં અરજી કરવાનુ ભુલી ગયો હોવાના કારણે નંબર લેવા માટે અપીલમાં જવાની સ્થિતી સર્જાતી હોય છે. આજ કારણોસર અપીલમાં પણ નંબર શરૂ કરવાના કેસનો ભરાવો થઇ ગયો છે. તેના કારણે વેપારીઓએ ભારે પરેશાની વેઠવી પડી રહી છે. આવા જ એક વેપારીએ ઓરીસ્સા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં વેપારી દંડ, વ્યાજ સહિતની રકમ ભરપાઇ કરવા તૈયાર હોવા છતાં નંબર ચાલુ કર્યો નહીં હોવાની દલીલ કરતા ઓરીસ્સા હાઈકોર્ટે તાત્કાલિક નંબર ચાલુ કરવા માટેનો આદેશ કર્યો છે. કોર્ટે આપેલા ચુકાદામાં એવુ પણ નોંધ્યુ છે કે વેપારી જીએસટી રીટર્ન, વ્યાજ, દંડ સહિતની તમામ રકમ ભરપાઇ કરવા તૈયાર હોય તો તેનો નંબર ચાલુ કરી દેવો જોઇએ.

  • ૧૮૦ દિવસનો નિયમ ફરી લાગુ કરો

સીએ રાજેશ ભઉવાલા કહે છે કે, કોરોનાના કારણે સરકાર દ્વારા રીટર્ન નહીં ભરવાના કારણે જીએસટી નંબર રદ થયો હોય તેવા કિસ્સામાં અધિકારીને ૧૮૦ દિવસમાં અરજી કરવામાં આવે તો પણ નંબર શરૂ કરવાની સત્તા આપવામાં આવી હતી. જેથી આ નિયમને કાયમી ધોરણે લાગુ કરી દેવો જોઇએ. કારણ નંબર નહીં હોવાના લીધે વેપારીના વેપાર પર સીધી અસર પડતી હોય છે.

(11:28 am IST)