Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પ્રધાનપદ ગુમાવનારાને બંગલો ખાલી કરવા માટે નોટીસ

હર્ષવર્ધન, નિશંક, સદાનંદ ગૌડા અને જાવડેકરે બંગલો ખાલી કરવો પડશે

ચિરાગ પાસવાને પણ બંગલો ખાલી કરવો પડશે

નવી દિલ્હી તા. ૧૧ : કેન્દ્રીય મંત્રીમંડળમાંથી બહાર થયેલા મંત્રીઓને પોતાનો વર્તમાન બંગલો છોડવાનું કહેવામાં આવ્યું છે. તેના બદલામાં તેમને બીજો બંગલો પસંદ કરવાનું કહેવાયું છે. નવા મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને ૨૭ સફદરગંજ રોડવાળો બંગલો ફાળવવામાં આવ્યો છે. આ બંગલામાં હાલમાં ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંક રહે છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, સદાનંદ ગૌડા અને પ્રકાશ જાવડેકરનો બંગલો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને પણ બંગલો ખાલી કરવાનું કહેવાયું છે.

કેન્દ્રીય પ્રધાનોને લ્યુટેન ઝોનમાં ટાઇપ-આઠનો બંગલો ફાળવવામાં આવે છે, જે લગભગ ત્રણ એકરમાં તૈયાર શાનદાર આઠ રૂમનો હોય છે. બધા જ પ્રકારના સુખસગવડોથી સજ્જ આ બંગલાને કેબિનેટના મંત્રીપદેથી હટતા ખાલી કરવાની જોગવાઈ પણ છે. શહેરી વિકાસ મંત્રાલયનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ તેની જાળવણી કરે છે. જયારે આ બંગલાની ફાળવણી સંસદીય આવાસ સમિતિ કરે છે.

ડોકટર હર્ષવર્ધનના નામે આઠ ૩૦ જાન્યુઆરી માર્ક બંગલો છે. રમેશ પોખરિયાલ નિશંકને ૨૭ સફદરજંગ રોડનો બંગલો મળ્યો છે. આ બંગલો ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માધવરાવ સિંધિયાને લાંબા સમય સુધી ફાળવાયેલો રહ્યો હતો. આ બંગલા સાથે તેમના પુત્ર અને કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને ઘણો લગાવ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટાઇપ-૮ બંગલાની ફાળવણી સિંધિયાના નામે થઈ ગઈ છે. નિશંકને ટાઇપ-સાત બંગલામાં જવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેનો તે હક્કદાર છે.  ૧૨ જનપથવાળા પાસવાનના બંગલામાં કોઈ કેબિનેટ સ્તરનો મંત્રી રહી શકે છે. કુશક રોડવાળા બંગલામાં પ્રકાશ જાવડેકર રહે છે, જેને તેમણે છોડવો પડી શકે છે. જો કે ભૂતપૂર્વ કાયદાકીય પ્રધાન રવિશંકર પ્રસાદ પહેલેથી જ ટાઇપ-સાતના બંગલામાં રહે છે. તેથી તેમણે બંગલો ખાલી કરવાની જરુર નહી પડે. ડો કે ડીબી સદાનંદ ગૌડાએ ત્યાગરાજ માર્ગનો ટાઇપ-આઠ બંગલો મળ્યો છે જે તેમણે ખાલી કરવો પડશે.

(10:57 am IST)