Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

લ્યો બોલો... હવે ઘોડો અપાવશે કોરોનાથી છૂટકારો

ઘોડાની એન્ટીબોડીથી મહારાષ્ટ્રની એક કંપની બનાવી રહી છે દવા : આ દવાથી ૯૦ કલાકમાં સંક્રમણનો કડુસલો થઇ જશે : આઇસેરા બાયોલોજીકલ નામની કંપનીએ કોવિડ એન્ટીબોડીનું એક અસરકારક કોકટેલ તૈયાર કર્યું : આનાથી કોરોના હળવા અને મધ્યમ લક્ષણવાળા દર્દીમાં સંક્રમણને ફેલાતો રોકી શકાય છે : શરીરમાં મોજુદ વાયરસને પણ મારી નાખે છે

નવી દિલ્હી તા. ૧૧ : હવે માણસને ઘોડો કોરોના વાયરસથી બચાવશે. મહારાષ્ટ્રની એક કંપનીએ ઘોડાની એન્ટીબોડીમાંથી એક દવા બનાવી છે જેનાથી ૯૦ કલાકની અંદર સંક્રમણ દૂર થઇ જાય છે. મહારાષ્ટ્રની આઇસેરા નામની કંપનીએ કોવિડ એન્ટીબોડીસનું એક કોકટેલ તૈયાર કર્યું છે કે અને એવો દાવો કર્યો છે કે આનાથી કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓમાં સંક્રમણનો ફેલાવો રોકી શકાય છે અને શરીરમાં મોજુદ વાયરસને પણ સમાપ્ત કરી શકાય છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત ૪ વર્ષ જૂની એક બાયોસાયન્સ કંપની કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે કારગર એક દવાની ટેસ્ટિંગ કરી રહી છે. જો આ દવા તમામ માપદંડો પર ખરી ઉતરે છે તો કોવિડના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે આ ભારતની પહેલી સ્વદેશમાં વિકસિત દવા હશે, જેનો ઉપયોગ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે કરવામાં આવશે. શરૂઆતના ટેસ્ટિંગમાં દવાએ આશા જગાવે તેવા પરિણામ આપ્યા છે.

આ દવાના ઉપયોગથી ૭૨થી ૯૦ કલાકમાં કોરોના સંક્રમિત દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કંપનીના અધિકારીએ આ જાણકારી આપી છે. વર્તમાન સમયમાં દવાનો અત્યારે હ્યુમન ટ્રાયલનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે અને ઓગષ્ટના અંત સુધી આના પૂર્ણ થવાની આશા છે. આઈસેરા બાયોલોજિકલ ફકત ૪ વર્ષ જૂની કંપની છે અને અત્યાર સુધી એન્ટીસીરમ પ્રોડકટનું ઉત્પાદન કરે છે, જેમ કે સાપ કરડવો, કૂતરૃં કરડવું અને ડિપ્થીરિયાની સારવારમાં કારગર દવાઓ.

જો કે કંપનીને આ કામમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા તરફથી પણ થોડીક મદદ મળતી રહી છે. આ દરમિયાન કંપનીએ કોવિડ એન્ટીબોડીનું એક કારગર કોકટેલ તૈયાર કર્યું છે અને આના ઉપયોગથી કોવિડના હળવા અને મધ્યમ લક્ષણવાળા દર્દીઓમાં સંક્રમણના ફેલાવાને રોકી શકાય છે અને શરીરમાં રહેલા વાયરસને ખત્મ પણ કરી શકાય છે. ICMRના પૂર્વ મહાનિર્દેશક પ્રોફેસર એન.કે. ગાંગુલીએ કહ્યું કે, 'અત્યાર સુધી તો આ દવા આશા જગાવે છે, પરંતુ આપણે હ્યુમન ટ્રાયલના પરિણામોનો ઇંતઝાર કરવો જોઇએ. જો દવા કારગર મળે છે તો આ ઘણું ફાયદાકારક થઈ શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં મને લાગે છે કે બજારમાં ઉપલબ્ધ ઇન્ટરનેશનલ ઉત્પાદનોની સરખામણીએ દવા સસ્તી પણ થશે.'

આઈસેરા બાયોલોજિકસના ડાયરેકટર (ન્યુ પ્રોડકટ) નંદકુમાર કદમે કહ્યું કે, 'દવાના કોકટેલમાં ઘણું વિશિષ્ટ કોવિડ-૧૯ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી સામેલ છે, જેને તમામ બહારના રસાયણોને હટાવીને શુદ્ઘ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી નીકાળવામાં આવેલા ખાસ એન્ટીજનને ઘોડાઓમાં ઇન્જેકટ કરીને એન્ટીબોડીને વિકસિત કરવામાં આવી છે. કંપનીને યોગ્ય એન્ટીજનની પસંદગી કરવામાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ મદદ કરી છે. સાથે જ એ કેમિકલની પસંદગીમાં પણ સહયોગ કર્યો, જેમના કારણે સંક્રમિત યજમાનમાં એન્ટીબોડી પેદા થાય છે.' તેમણે કહ્યું કે, એન્ટીબોડી વિકસિત કરવા માટે ઘોડાને પસંદ કરવામાં આવ્યા, કારણ કે મોટું જાનવર હોવાના કારણે મોટી સંખ્યામાં એન્ટીબોડી પેદા કરે છે.

(10:57 am IST)