Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

બીએસઇ દેશમાં ઇકિવટી માર્કેટ્સ ટ્રેડિંગ -કલાકો વધારવાની તરફેણમાં

બાકીની દુનિયા (બજારો) પ્રતિદિન લગભગ ૧૬ કલાક વેપાર કરે છે

મુંબઇ,તા. ૧૧ : બીએસઇ દેશના શેરબજારને વધુ કલાકો માટે ખુલ્લુ રાખવાના પક્ષમાં છે. દેશમાં ઇકિવટી અને કોમોડિટી બજાર વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. એમ બીએસઇના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ આશિષ ચૌહાણે કહ્યુ છે. તેમણે કહ્યુ કે દેશમાં કોમોડિટી માર્કેટ્સ ૧૫ કલાક ચાલુ હોય છે. ત્યારે ઇકિવટીઝ માટે માત્ર સાડા છ કલાકના ટ્રેડિંગની જ છૂટ બજારના નિયામક 'સેબી' દ્વારા આપવામાં આવેલી છે.

કોમોડિટી માર્કેટ્સ સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૧:૫૦ વાગ્યા સુધી વેપાર કરે છે પરંતુ ઇકિવટીઝની વાત આવે ત્યારે આપણે કેમ બપોરે સાડા ત્રણ વાગ્યે ટ્રેડિંગ બંધ કરી દઇએ છીએ. મને કહેવામાં આવ્યુ છે કે વિદેશીઓને ટેલિવિઝન સમાચાર ચેનલોને આટલો જ ટાઇમ રખાય એમા રસ છે. અન્યથા તેમણે લાંબા સમય માટે કામ કરવું પડે પરંતુ બાકીન દુનિયા (બજારો) પ્રતિદિન લગભગ ૧૬ કલાક વેપાર કરે છે. એમ ચૌહાણે મૂડી બજારમાં સુધાર અંગેની એક વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

ટ્રેડિંગના ઓછા કલાકોને કારણે ભારતનું ટ્રેડિંગ વોલ્યુમ સિંગાપુર, દુબઇ અને અમેરિકાના એકસચેન્જની તુલનાએ ઓછું રહે છે. થોડા વર્ષે પૂર્વે સેબીએ કહ્યું હતુ કે બજારો સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેવા માટે મુકત છે. પરંતુ સ્ત્રોતોના જણાવ્યા પ્રમાણે બજાર નિયામકે ટ્રેડિંગનો સમય બપોરે ૩:૩૦ વાગ્યાથી અધિક વધારવા માટેના પ્રયત્નોને અટકાવવા હતા. નિષ્ણાંતો કહે છે કે કોઇ ગરબડ ન થાય એટલા માટે ઇકિવટી અને ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કલાક એકસમાન રાખવા જોઇએ.

આપણી પાસે ગુજરાત ઇન્ટરનેશન ફાઇનાન્સ ટેક-સીટીમાં અન્ય એક ઇકિવટી એકસચેન્જ છે, જે દરરોજ સાડા બાવીસ કલાક ખુલ્લુ રહે છે. ટેકનોલોજી ઉપલબ્ધ છે અને જ્યારે પણ જરૂર હશે ત્યારે આપણે કેશ ઇકિવટીઝ અને ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કલાકો લાંબાવી શકીશું. ટી પ્લસ વન ટ્રેક સેટલમેન્ટ શકય છે પરંતુ વિદેશીઓને તે પસંદ નથી. એટલે એમાં ઉતાવળ શકય નહિ થાય. જો કે અમે સિસ્ટમ્સ તૈયાર રાખી છે, એમ ચૌહાણે કહ્યું હતું.

સેબીના વડા અજય ત્યાગીએ ઇકિવટી માર્કેટ્સમાં માર્જિન્સ વસૂલવાની કામગીરી હળવી બનાવવા ટી પ્લસ વન સેટલમેન્ટ દાખલ કરવાની તત્પરા દાખવી હતી. જો કે વિદેશી રોકાણકારોના પગલે નિયામકે બજારના સુધારાઓની ગતિ મંદ કરી છે.

(10:28 am IST)