Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

રાજસ્થાન : કબૂતરો પણ છે કરોડોની પ્રોપર્ટીના માલિક

આ પ્રોપર્ટીઓમાં ૨૭ દુકાનો, ૧૨૬ વીઘા જમીન, કેટલીક ગૌશાળાઓ તેમ જ ૩૦ લાખ રૂપિયાની બેન્કોમાં પડેલી કેશ ડિપોઝિટનો સમાવેશ છે

જયપુર,તા.૧૧ :રાજસ્થાનના નાગૌર જિલ્લાના જસનગર નામના નાના નગરમાં ઘણા લખપતિ-કરોડપતિ ઉઘોગપતિઓ રહે છે. જોકે આ તો સામાન્ય વાત કહેવાય. ખૂબી તો એ વાતની છે કે આ નગરમાં મિલ્યનેર કબૂતરો પણ વસે છે.

હા, આ નગરમાં કબૂતરોના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ છે. બીજી રીતે કહીએ તો અહીં કબૂતરો આ બધી મિલકતોના માલિક છે. આ પ્રોપર્ટીઓમાં ૨૭ દુકાનો, ૧૨૬ વીઘા જમીન, કેટલીક ગૌશાળાઓ તેમ જ ૩૦ લાખ રૂપિયાની બેન્કોમાં પડેલી કેશ ડિપોઝિટનો સમાવેશ છે. આ બધી પ્રોપર્ટીમાંથી જે પણ આવક થાય છે એ કબૂતરોના ચણ માટે તેમ જ પાણીની વ્યવસ્થા જાળવી રાખવા પાછળ ખર્ચવામાં આવે છે.

કબૂતરો માટે આટલુંબધું કરવામાં આવી રહ્યું છે એટલે નગરમાં કબૂતરોને 'મિલ્યનેર્સ'કે મલ્ટિમિલ્યનેર્સ' કહીને જ ઓળખાવવામાં આવે છે.

ચાર દાયકા પૂર્વે પ્રભુસિંહ રાજપુરોહિત નામના કબૂતરપ્રેમી ઉઘોગપતિએ પોતાના પૂર્વજો તેમ જ એ સમયના સરપંચ રામદીન તથા ગુરુ મરૂધર કેસરી પાસેથી મળેલી પ્રેરણાના આધારે કબૂતરના ટ્રસ્ટની સ્થાપના કરી હતી. પ્રભુસિંહ કહે છે કે કબૂતર મૂંગાં પક્ષી છે અને તેમને ખોરાક આપવામાં જેટલી મદદ અને વ્યવસ્થા કરીએ એટલી ઓછી કહેવાય. સજ્જનરાજ જૈન નામના બીજા ઉઘોગપતિની મદદથી કબૂતરનું ટ્રસ્ટ સ્થપાયું અને હજી પણ ચાલી રહ્યું છે. જોકે એમાં ઘણા લોકો તરફથી ઘણું ડોનેશન આવ્યું છે. આ ટ્રસ્ટની આવકમાંથી નગરમાં ૩૦ વર્ષથી દરરોજ ત્રણ ગૂણી જેટલું અનાજ કબૂતરોને ખવડાવવામાં આવે છે. એટલું જ નહીં, ગૌશાળાઓમાં રહેતી ૪૦૦ જેટલી ગાયો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

(10:27 am IST)