Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અદભૂત સાહસ

હાથ-પગ બાંધી ગંગામાં લગાવી છલાંગઃ દોઢ કલાકમાં ૧૭ કિમી અંતર કાપ્યું

સંસ્થા સ્પર્ધાનો વિડીયો બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલશેઃ તરવૈયાઓ હવે ૪૫ કિમીનું અંતર કાપવાની તૈયારી કરી રહ્યા છે

લખનઉ,તા.૧૧: ઉત્ત્।ર પ્રદેશમાં ગંગા-યમુના સહિતની નદીઓમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી ગયું છે. સ્થાનિકો હાલમાં નદીથી દૂર રહે છે ત્યાં બે તરવૈયાઓ ગજબનો સાહસ બતાવતાં નદીમાં ૧૭ કિમીનું અંતર કાપ્યું છે. તેમણે પોતાના હાથ-પગ બાંધીને ગંગા નદીમાં છલાંગ મારી હતી. એમના આ સાહસભર્યા કારનામા વિશે જાણીને સૌ કોઇ અચંબામાં પડી ગયું છે. ગંગાની લહેરો વચ્ચે બંને તરવૈયાઓએ પોતાનો લક્ષ પૂરો કર્યો હતો આ દરમિયાન તેમની સુરક્ષા અર્થે રાજયના તરવૈયાઓની એક ટીમ સાથે ચાલી રહી હતી.

રાજયના તરવૈયા સંઘ હેઠળ ગંગા બૈરાજના અટલ ઘાટથી શરુ થયેલી સ્પર્ધા મસ્કાટ ઘાટ પર સમાપ્ત થઇ હતી. આ દરમિયાન બંને તરવૈયાઓના હાથ-પગ બાંધેલા હતા.

હાલમાં નદીનો વહેણ તોફાની છે. અહીં પાણીનું સ્તર જોખમી સ્તરે વધી ગયું છે. જેને જોતાં રાજયના તરવૈયા સંઘે તરવૈયાઓની સુરક્ષા માટે પૂરતી તૈયારી કરતાં તેમની સાથે એક એકસપર્ટ ટીમ રાખી હતી. રાજયના તરવૈયા સંઘના ઉપપ્રમુખનું કહેવુ છે કે આખી સ્પર્ધાનો વિડીયો બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને મોકલવામાં આવશે. રાજયના બાળકોને પણ સંઘ આ પ્રકારની તાલીમ આપશે.

બીજી તરફ બંને તરવૈયા રોહિત અને પંકજનું કહેવુ છે કે તેઓ હવે ૪૫ કિમીની સ્પર્ધાને પાર કરવાની તૈયારી કરી રહ્યા છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે.

(10:26 am IST)