Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ભારતમાં કેટલા લોકોની આવક ૧૦૦ કરોડ રૂપિયા?

લોકડાઉન દરમિયાન દેશમાં અબજપતિઓની સંખ્યામાં વૃદ્ઘિ જોવા મળી છે? : ભારતમાં ૧૦૦ કરોડ રૂપિયા અથવા તેથી વધુ કુલ આવક જાહેર કરનાર વ્યકિતઓની સંખ્યા ૨૦૨૦-૨૧માં ૧૩૬ હતીઃ ૨૦૧૯-૨૦માં આવા લોકોની સંખ્યા ૧૪૧ અને ૨૦૧૮-૧૯માં ૭૭ હતીઃ ભારતમાં ગરીબી રેખાની નીચે રહેતા વ્યકિતઓની સંખ્યા ૨૦૧૧-૧૨માં ૨૭ કરોડ (૨૧.૯ ટકા) અનુમાનિત હતી

નવી દિલ્હી, તા.૧૧: ભારતમાં ૧૦૦ કરોડ રૂપિયા અથવા તેથી વધુ કુલ આવક  જાહેર કરનાર વ્યકિતઓની સંખ્યા ૨૦૨૦-૨૧માં ૧૩૬ હતી. ૨૦૧૯-૨૦માં આવા લોકોની સંખ્યા ૧૪૧ અને ૨૦૧૮-૧૯માં ૭૭ હતી. આ જાણકારી મંગળવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આપી. તેમણે એક સવાલના લેખિત જવાબમાં રાજયસભાને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વિગત ૩ આકારણી વર્ષો દરમિયાન આયકર વિભાગમાં ફાઈલ કરાયેલી આયકર વિવરણીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કુલ આવક જાહેર કરનાર વ્યકિતઓની સંખ્યા ૨૦૨૦-૨૧માં ૧૩૬ હતી.

તેઓને સવાલ કરવામાં આવ્યો હતો કે શું આ સાચું છે કે લોકડાઉન દરમિયાન દેશમાં અબજપતિઓની સંખ્યામાં વૃદ્ઘિ જોવા મળી છે? જેના જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) પાસે ઉપલબ્ધ સૂચના અનુસાર, પ્રત્યક્ષ કર (Direct Taxes) હેઠળ અબજપતિ શબ્દની કોઈ કાયદાકીય પરિભાષા નથી.

તેમણે કહ્યું કે એસ્ટેટ (સંપદા) કરને એપ્રિલ ૨૦૧૬માં સમાપ્ત કરવામાં આવ્યો છે. માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) કોઈ વ્યકિતગત કરદાતાની પૂર્ણ સંપદા વિશે હવે કોઈ સૂચના રાખતું નથી.

ગરીબી અનુમાનો અનુસાર, વર્તમાન તેંદુલકર સમિતિ કાર્યપ્રણાલીનું અનુસરણ કરતા ભારતમાં ગરીબી રેખાની નીચે રહેતા વ્યકિતઓની સંખ્યા ૨૦૧૧-૧૨માં ૨૭ કરોડ (૨૧.૯ ટકા) અનુમાનિત હતી. નાણાંમંત્રીએ કહ્યું કે સરકારે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' પર જોર આપતા વિવિધ યોજનાઓ શરૂ કરી છે કે જેનું લક્ષ્ય લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનું છે.

(10:44 am IST)