Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

એક જ જગ્યાએ લાખો ટાયર ભેગા કરીને સળગાવાયાઃ વાયરલ થયો વિડીયો

ટાયર ડમ્પયાર્ડમાં ૪ દિવસથી આગ લાગેલી છેઃ અહીં કુવૈત અને કેટલાંક દેશોમાંથી લવાયેલા લગભગ ૭૦ લાખ જૂના ટાયર રાખવામાં આવ્યા છે : ૬ એકરના આ ડમ્પિંગ યાર્ડમાંથી નીકળતા ઝેરી ધૂમાડાને સેટેલાઈટ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે

લંડન, તા.૧૧: દુનિયાના સૌથી મોટા ટાયર ડમ્પિંગ યાર્ડમાંથી ઝેરી ધૂમાડાનો ફોટોગ્રાફ સામે આવ્યો છે કે જે જોતાં જ લોકો ચોંકી ઉઠ્યા છે. કુવૈતના સુલેબિયા ક્ષેત્રમાં રેતાળ માટીમાં લગભગ ૭૦ લાખ ટાયર છે જે સળગતા હોવાના કારણે ધૂમાડો અંતરિક્ષમાંથી પણ જોવા મળી રહ્યો છે.

૬ એકરના આ ડમ્પિંગ યાર્ડમાંથી નીકળતા ઝેરી ધૂમાડાને સેટેલાઈટ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ટાયર કુવૈત સહિત અન્ય દેશોમાંથી પણ લાવીને ડમ્પ કરવામાં આવ્યા છે. આ ટાયરોને સળગાવીને નષ્ટ કરવાની જવાબદારી ૪ કંપનીઓને મળી છે અને રિપોર્ટ મુજબ આ કામ માટે પર્યાપ્ત પૈસા પણ આપવામાં આવ્યા છે.

ટાયર સળગી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યા પછી આવા ઝેરીલા પદાર્થોને દેશમાં જમા કરવાના નિર્ણય પર સવાલો ઊભા થયા છે કારણકે અહીં તાપમાન અગાઉથી જ ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે.

કુવૈતની સરકારે છેલ્લા ૩૦ વર્ષોમાં ઉપયોગમાં લેવાયેલા ટાયરોનો નિકાલ કરવાનું શરૂ કર્યું છે. જેમાં અલગ-અલગ જગ્યાઓ પર લાખો ટાયરોને ડમ્પ કરવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે દ્યણાં દેશોમાં ઉપયોગમાં લેવાયેલા ટાયરોનો નિકાલ કરવો તે મોટી સમસ્યા બની ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ટાયર ડમ્પયાર્ડમાં ૪ દિવસથી આગ લાગેલી છે. અહીં કુવૈત અને કેટલાંક દેશોમાંથી લવાયેલા લગભગ ૭૦ લાખ જૂના ટાયર રાખવામાં આવ્યા છે.

(10:22 am IST)