Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૧૦ દિવસમાં આઠ આઇપીઓ

મૂડી બજારમાં આઇપીઓનું ઘોડાપૂર

આ વર્ષે અત્યાર સુધીમાં ૫૮ કંપનીઓએ માંગી મંજૂરી

મુંબઇ તા. ૧૧ : મૂડીબજારમાં આઇપીઓની હોડ લાગી છે અને છ દિવસમાં ૮ કંપનીઓના આઇપીઓ આવી ચૂકયા છે. વર્ષના બીજા છ માસિકમાં તો આઇપીઓ માટેની અરજીઓનું પૂર આવતું દેખાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૫૮ કંપનીઓ સેબીને પોતાના આઇપીઓના દસ્તાવેજ જમા કરાવી ચૂકી છે. આ આંકડો છેલ્લા બે વર્ષની અરજી કરતા પણ વધારે છે. છેલ્લા બે વર્ષમાં ૫૦ કંપનીઓએ આઇપીઓ માટે અરજી કરી હતી.

ઉદ્યોગ ભાગીદારોનું કહેવું છે કે, આ વર્ષે ૧૦૦થી વધારે કંપનીઓ આઇપીઓ માટે અરજી કરી શકે છે અને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે મૂડી ભેગી કરવાનો રેકોર્ડ બનાવી શકે છે. સેન્ટ્રમ કેપીટલમાં ભાગીદાર પ્રાંજલ શ્રીવાસ્તવે કહ્યું કે, બજારના પ્રદર્શનના હિસાબે ગયુ વર્ષ અને ચાલુ વર્ષ સારૂ રહ્યું છે. તેનાથી કંપનીઓ અને પ્રમોટરોને બહેતર મૂલ્યાંકન હાંસલ કરવામાં મદદ મળી રહી છે. ઘણી કંપનીઓ ઇકવીટીનો માર્ગ છોડીને આઇપીઓ દ્વારા મૂડી એકત્રીત કરવા ઇચ્છી રહી છે. જ્યારે મૂડી બજાર તમને આટલું સારૂ મૂલ્યાંકન આપતું હોય ત્યારે કંપ્નીઓ મૂડી માટે પીઇ પાસે શા માટે જાય.

બેંચમાર્ક નીફટી ૨૦૨૦ માં ૧૫ ટકાથી વધારે વધ્યો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં ૧૬ ટકા વધી ગયો છે. નીફટી મીડકેપ ૧૦૦ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૨ ટકા અને સ્મોલ કેપ ૧૦૦ લગભગ ૪૨ ટકા વધી ચૂકયો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શ્રેણીની મોટાભાગની કંપનીઓ આઇપીઓ લાવવાની શકયતાઓ ચકાસી રહી છે. જેના શેર નાણાકીય વર્ષ ૨૦૨૨ની આવકના અંદાજથી ૨૨ ગણા વધારે પીઇ પર કારોબાર કરી રહ્યા છે.

(10:20 am IST)