Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કલમ 370 હટયા બાદ બહારની માત્ર બે વ્યકતિઓએ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી : સંસદમાં જવાબ

ઓગસ્ટ 2019 બાદથી અત્યારસુધી માત્ર 2 બહારની વ્યક્તિઓએ જ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટ્યાને બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે. નિયમોમાં બદલાવ બાદ હવે બહારના રાજ્યની કોઈ પણ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. મંગળવારે સંસદમાં સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કલમ 370 હટ્યા બાદ બહારના કેટલા લોકોએ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે? જેના પર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે ઓગસ્ટ 2019 બાદથી અત્યારસુધી માત્ર 2 બહારની વ્યક્તિઓએ જ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં એક સવાલનો જવાબ આપતા આ જાણકારી આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદવા માટે લોકો કે સરકારને કોઈ પ્રકારની મુશ્કેલ પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A લાગુ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરથી અલગ કોઈ પણ રાજ્યની રહેવાસી વ્યક્તિ જમીન ખરીદી શકતી નહોતી, પરંતુ જ્યારથી જમ્મુ-કશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનાવવામાં આવ્યા છે અને કલમ 370ને હટાવવામાં આવી છે ત્યારથી આ નિયમ બદલાઈ ગયા છે.

(12:27 am IST)