Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દર્શન માટે ખુલ્લી મૂકાઈ લાલબાગ ચા રાજાની મૂર્તિ

મૂર્તિની ઊંચાઈ પણ ઓછી રાખવામાં આવી છે : પંડાલમાં દર્શન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

મુંબઈ, તા.૧૦ : મુંબઈના લાલબાગ ચા રાજાની મૂર્તિને શુક્રવારે ગણેશ ચતુર્થી નિમિત્તે બપોરે ૧૨.૩૦ વાગ્યે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ વખતે લાલબાગ ચા રાજા અલગ અવતારમાં જોવા મળી છે. આ વખતે પ્રથમ વખત ૪ ફૂટની મૂર્તિ રાખવામાં આવી છે. મંડળ માટે ગણેશ ઉત્સવનું ૮૮મું વર્ષ છે.

દાયકાઓમાં પ્રથમ વખત રાજા અલગ અવતારમાં જોવા મળ્યા છે. દર વર્ષે લાલબાગ ચા રાજાની મૂર્તિ સિંહાસન પર બિરાજમાન હોય છે અને જાણે કોઈ રાજા દરબારમાં બેઠા હોય તેવું લાગે છે. જ્યારે આ વખતે તેઓ શેષનાગ પર બિરાજમાન છે. મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યું હતું કે ૩૦-૪૦ વર્ષ પહેલા તેમણે આવી જ મૂર્તિ સ્થાપિત કરી હતી.

આ વર્ષે રાજ્ય સરકારના કોવિડ-૧૯ લોકડાઉનના નિયમોના કારણ મૂર્તિમાં ફેરફાર કરવો જરૂરી હતો.

આ નિયમમાં મૂર્તિ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ તેમ કહેવામાં આવ્યું છે. દર વર્ષે આ મૂર્તિ ૧૨ ફૂટ ઊંચી હોય છે. આ વખતે રાજાની પ્રથમ આરતી મંડળના સેક્રેટરી સુધીર સાલ્વીએ કરી હતી.

આ ઉપરાંત મંડળ દ્વારા અન્ય એક ફેરફાર પણ કરવામાં આવ્યો છે. આ વખતે રાજ્ય સરકાર દ્વારા પંડાલમાં દર્શન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવામાં મંડળ દ્વારા યુ-ટ્યુબ અને ફેસબુક પર ૨૪ કલાક રાજાના દર્શન કરી શકાશે. શુક્રવારે પંડાલની બહાર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા પરંતુ પોલીસે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તેમને ત્યાંથી રવાના કર્યા હતા.

(9:13 pm IST)