Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મારા લોહીમાં કાશ્મિરીયતનો થોડો હિસ્સો છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે : જમ્મુ કાશ્મીરના લોકો ઘવાયેલા છે અને રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડતા રહેવા કોંગ્રેસના નેતાનું આશ્વાવાસન

નવી દિલ્હી, તા.૧૦ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. દરમિયાન આજે તેમણે ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા હતા અને હજરતબાલ દરગાહની પણ મુલાકાત લીધી હતી. કલમ ૩૭૦ હટયા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અમારો પરિવાર દિલ્હીમાં રહે છે પણ તે પહેલા તે અલ્હાબાદ અને કાશ્મીરમાં રહેતો હતો.

હું પણ કાશ્મિરીયતમાં વિશ્વાસ રાખુ છું અને મારા લોહીમાં પણ કાશ્મિરીયતનો થોડો હિસ્સો છે. તેમણે કહ્યુ હતુ કે, અમે પ્રેમથી અને લોકોને જોડાયેલા રાખીને કાશ્મીરનો મુદ્દો અલગ રીતે ઉકેલવાની કોશીશ કરી હતી પણ ભાજપે તમામ સારા કામો પર પાણી ફેરવી દીધુ છે.

હું જાણું છે કે જમ્મુ કાશ્મીરના લોકો ઘવાયેલા છે, મારે પ્રેમ અને સમજદારીના સબંધો જોઈએ છે. હું તમારી સાથે ઉભો રહીશ અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશ. મારી શરૂઆત છે. બે વર્ષ પહેલા મને એરપોર્ટ રોકી દેવામાં આવ્યો હતો.હું હવે વારંવાર તમને મળવા માટે આવીશ.

રાહુલ ગાંધી સાથે પ્રવાસમાં મોજુદ કોંગ્રેસના અને કાશ્મીરના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે કલમ ૩૭૦ દૂર કરવાના નામે સરકારે ૧૬૦૦૦ લોકોને જેલમાં નાંખ્યા હતા અને ત્યાં સુધી કે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ બાકાત રાખાયા નહોતા. કાશમીરમાં અમને તત્કાલિન મહારાજા હરિ સિંહ દ્વારા આપવામાં આવી હતી.

આજે રાજ્યમાં બેરોજગારી ટોચ પર છે અને ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે સરકાર ધારે તો પાંચ મિનિટમાં સંસદમાં બિલ પાસ કરાવી શકે છે.

(8:00 pm IST)