Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જો દીકરી પુખ્ત વયની હોય તો ભરણપોષણ માટે પિતા પાસેથી પૈસા માંગવાની હકદાર નથી

કોર્ટ એક પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી

યમુનાનગર, તા.૧૦: CJM કોર્ટના આદેશને પલટાવતા ADJ કોર્ટે કહ્યું કે જો દીકરી પુખ્ત વયની હોય, ભણેલી હોય અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય, તો તે ભરણપોષણ માટે પિતા પાસેથી પૈસા માંગવાની હકદાર નથી. કોર્ટ એક પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એક વ્યકિતએ અપીલ કરી હતી કે ૨૦૧૮ માં સીજેએમ કોર્ટે દીકરીને ભરણપોષણ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો, જયારે દીકરી અલગ રહે છે અને પુખ્ત છે.

પંજાબ કેસરી અખબારના અહેવાલ અનુસાર યમુનાનગરમાં સીજેએમ કોર્ટના આદેશને પડકારવા માટે એડીજે નેહા નૌહરીયાની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. CJM એ કલમ ૧૨૫ હેઠળ દીકરીના ભરણપોષણ માટે દર મહિને ૩ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ADJ કોર્ટે પુખ્ત, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત પુત્રીને કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માટે હકદાર ગણ્યા નથી. યમુનાનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક ચુકાદો દ્યણી રીતે મહત્વનો છે.

વાસ્તવમાં, નિવૃત્ત્। રેલવે કર્મચારી રમેશ ચંદ્રનો તેની પત્ની સાથે લાંબા સમયથી વિવાદ છે. પત્ની અને પુત્રી દ્યણા વર્ષોથી અલગ રહે છે. કોર્ટે પત્નીને ભરણપોષણ માટે એક હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે, જયારે ૩૦૦૦ રૂપિયા દીકરીને ખર્ચ માટે આપવામાં આવી રહ્યા છે. પિતાના વકીલ સંદીપ શર્માએ જણાવ્યું કે છોકરી પુખ્ત છે, શિક્ષિત છે, તેથી તે ખર્ચ માટે હકદાર નથી. તેણે કહ્યું કે પિતાની ઉંમર ૭૦ વર્ષની છે, તેઓ પત્નીને ખર્ચો ચૂકવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે, ખર્ચ માત્ર તે પરિસ્થિતિઓમાં આપવામાં આવે છે કે જયાં બાળકી સગીર હોય કે પોતાનું ભરણ પોષણ કરી શકતી ન હો.

જયારે છોકરીના વકીલ વિનોદ રાજોરિયાનું કહેવું છે કે, એક અપરિણીત છોકરીએ તેના પિતા પર ખર્ચ માટે કેસ દાખલ કર્યો હતો. છોકરી પુખ્ત છે, શું તે તેના પિતા પાસેથી દાવો કરી શકે છે કે નહીં. તેમણે કહ્યું કે જો દીકરી અપરિણીત હોય તો તે તેના પિતા પાસેથી ખર્ચની માંગ કરી શકે છે, પરંતુ કોર્ટે કહ્યું કે જે પુખ્ત છે, પોતાની જાળવણી કરવા સક્ષમ છે, તે ખર્ચ માગી શકે નહીં.

(4:12 pm IST)