Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પીએમ મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા ચરણને લોન્ચ કર્યુઃ એક કરોડ નવા લોકોને મળશે ફ્રી ગેસ સિલિન્ડર

ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓના જીવનને રોશન કર્યા છે, તે અભૂતપૂર્વ છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા.૧૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે ઉત્ત્।ર પ્રદેશના મહોલામાં ગરીબી રેખા નીચે (BPL) રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેકશન વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા.

આ દરમિયાન વડાપ્રધાને ઉત્ત્।રાખંડના દેહરાદૂનની બુંદી દેવી સાથે વાતચીત કરી. બૂંદી દેવીએ જણાવ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ તેમના જીવનને બદલી દીધું છે. સંવાદ બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓના જીવનને રોશન કર્યા છે, તે અભૂતપૂર્વ છે. આ યોજના ૨૦૧૬માં ઉત્તર પ્રદેશના બલિયાથી, આઝાદીની લડાઈના અગ્રદૂત મંગલ પાંડેની ધરતી પરથી શરૂ કરવામાં આવી હતી. આજે ઉજ્જવલા યોજનાના બીજા સંસ્કરણની શરૂઆત પણ ઉત્તર પ્રદેશના મહોબાની વીરભૂમિથી કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૬માં થઈ હતી અને તે સમયે પાંચ કરોડ બીપીએલ પરિવારોની મહિલા સભ્યોને એલપીજી કનેકશન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં આ યોજનાના વ્યાપમાં દલિત, આદિવાસી, ચાના બગીચામાં કામ કરતી, અતિ પછાત વર્ગ સહિત વિવિધ શ્રેણીઓની મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેને ધ્યાને લઈ આઠ કરોડ મહિલાઓને એલપીજી કનેકશન આપવાનો નવો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ ટાર્ગેટને ૨૦૧૯માં પૂરો કરી દેવામાં આવ્યો હતો.

આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વધારાના એક કરોડ એલપીજી કનેકશન આપવાની દ્યોષણા કરવામાં આવી હતી. પહેલા ચરણમાં આ સુવિધાથી વંચિત રહી જનારા લોકોને બીજા ચરણમાં મફતમાં એલપીજી કનેકશન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ચરણમાં લાભાર્થીઓને પહેલું રિફિલ મફતમાં ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ સગડી પણ મફતમાં આપવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું કે, તેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડશે અને તેમાં પ્રવાસીઓ માટે રાશન કાર્ડ કે નિવાસ પ્રમાણ પત્ર આપવું ફરજિયાત નહીં રહે.

(4:08 pm IST)