Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ૧૬ ઓગસ્ટ સુધી ટળી

કોર્ટે અરજીકર્તાઓને 'સોશ્યલ મીડિયા પર સમાનાંતર ચર્ચા'થી બચવાની અપીલ કરી

નવી દિલ્હી તા. ૧૦ : પેગાસસ જાસૂસી કેસ સંબંધિત નવ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આગામી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. સોલિસિટર જનરલે કહ્યું કે ફરિયાદની નકલ હજુ પણ વાંચવામાં આવી રહી છે. તમે નકલ વાંચ્યા પછી જ તમારી દલીલ રજૂ કરી શકશો. આ પછી, મુખ્ય ન્યાયાધીશે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી.

પેગાસસ પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં બરાબર ૧૧ વાગ્યે શરૂ થઈ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમને પૂછ્યું કે શું નકલ સરકારને આપવામાં આવી છે. આ અંગે સોલિસિટર જનરલે કહ્યું કે યશવંત સિન્હા સિવાય દરેકની નકલ મળી ગઈ છે, અમે હવે અભ્યાસ કરી રહ્યા છીએ, તે પછી અમે સરકાર પાસેથી સૂચના લઈશું, તેથી શુક્રવાર સુધીનો સમય આપવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે શુક્રવારે અમને થોડી સમસ્યા છે, અમે સોમવારે સુનાવણી કરી શકીશું.

આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું કે જે પણ અરજદારો અમારી સામે છે, તે બાબત અમારી સામે રાખો. અમારા પ્રશ્નોના જવાબ આપો. જો તમે માત્ર મીડિયા કે સોશિયલ મીડિયા પર જ વાત કરવા માંગતા હોવ તો તે અલગ વાત છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે સમાંતર પ્રક્રિયાઓ ન ચલાવો. થોડી શિસ્ત હોવી જોઈએ. કપિલ સિબ્બલ અને અન્ય વકીલો ચીફ જસ્ટિસ સાથે સહમત થયા. આ દરમિયાન કપિલ સિબ્બલે કેલિફોર્નિયા કોર્ટની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ કેસમાં પત્રકારો, વકીલો, સામાજિક કાર્યકરો અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા વતી લ્ત્વ્ તપાસની માંગણી સાથે અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા સિટીંગ જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના થવી જોઈએ અને તપાસ હાથ ધરવી જોઈએ. આ પહેલા ૫ ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરજદારને પ્રશ્ન કર્યો હતો કે આ કેસમાં આઈટી એકટ હેઠળ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી? જો તમને લાગે કે તમારો ફોન હેક થઈ ગયો છે તો પછી એફઆઈઆર કેમ નોંધાવી નથી? મુખ્ય ન્યાયમૂર્તિએ તમામ અરજદારોને અરજીની નકલ કેન્દ્ર સરકારને મોકલવા જણાવ્યું હતું જેથી કોઈ વ્યકિત નોટિસ લેવા હાજર રહે.

તે જ સમયે, પેગાસસ જાસૂસી મુદ્દે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે મૌન તોડ્યું છે. સંરક્ષણ રાજયમંત્રી અજય ભટ્ટે સોમવારે રાજયસભામાં જણાવ્યું હતું કે NSO સાથે સરકારનો કોઈ વ્યવહાર નથી. સંરક્ષણ રાજયમંત્રી અજય ભટ્ટે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે ઇઝરાયલી કંપની સાથે કોઇ કરાર કર્યો નથી અને તેની પાસેથી કોઇ સેવા લીધી નથી. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ રાજયસભામાં સરકાર દ્વારા NSOની કોઈપણ સેવાને નકારી હતી.

(3:36 pm IST)