Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આખુ ગુજરાત કોરું : ૭ વર્ષનો સૌથી ઓછો વરસાદ : હજી પણ કોઇ આશા નથી

ગત વર્ષે આ સમય સુધીમાં સરેરાશ ૧૭ ઈંચ વરસાદ સાથે ૫૨ ટકા વરસાદ નોંધાઈ ચૂક્‍યો હતો, જયારે આ વખતે માત્ર ૧૨ ઈંચ જ વરસાદ પડ્‍યો છે. ગુજરાતમાં આ વર્ષે ૪૪% વરસાદની ઘટ છે, તો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

 

નવી દિલ્‍હી તા. ૧૦ : ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્‍યો છે અને હજુ ૧૮ ઓગસ્‍ટ સુધી વરસાદની સંભાવના નથી. ગત વર્ષે આ સમય સુધીમાં સરેરાશ ૧૭ ઈંચ વરસાદ સાથે ૫૨ ટકા વરસાદ નોંધાઈ ચૂક્‍યો હતો, જયારે આ વખતે માત્ર ૧૨ ઈંચ જ વરસાદ પડ્‍યો છે. ગુજરાત માં આ વર્ષે ૪૪% વરસાદની ઘટ છે, તો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં આ વર્ષે જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ જયારે ૯ ઓગસ્‍ટ સુધીમાં માત્ર ૦.૩૦ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે.

ગુજરાતમાં હાલ જયાં વરસાદની સૌથી વધુ ઘટ છે. તેમાં -૬૩% સાથે દાહોદ, -૬૧% સાથે અરવલ્લી, -૫૮% સાથે સુરેન્‍દ્રનગર, -૫૫ સાથે દાહોદ, -૫૩% સાથે દાહોદ-અમદાવાદનો સમાવેશ થાય છે. તો રાજયના જે તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્‍યો છે તેમાં ૧.૮૧ ઈંચ સાથે બનાસકાંઠાના લાખાણી, ૧.૮૭ ઈંચ સાથે થરાદ, ૨.૦૮ ઈંચ સાથે કચ્‍છના લખપત, ૨.૪૮ ઈંચ સાથે પાટણના સાંતલપુર-બનાસકાંઠાના વાવ, ૩.૩૩ ઈંચ સાથે ખેડાના ઠાસરા, ૩.૬૨ ઈંચ સાથે ગળતેશ્વરનો મુખ્‍યત્‍વે સમાવેશ થાય છે. રીજિયોન પ્રમાણે જોવામાં આવે તો કચ્‍છમાં સૌથી ઓછો ૫.૫૧ ઈંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૨૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

એક તરફ ઉત્તર ભારતની નદીઓમાં ઘોડાપૂર આવ્‍યા છે. પણ ગુજરાત કોરૂધોકાર છે. જોકે, હાલ વરસાદ આવવાની કોઈ આશા પણ નથી. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હજુ કોઈ સિસ્‍ટમ સક્રિય નથી. એવામાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજયમાં સારા વરસાદની શક્‍યતા નહીવત છે. તેના બાદ પણ કેવો વરસાદ પડશે તે કહી શકાય નહિ. પરંતુ જો સમગ્ર સીઝનમાં આવો વરસાદ રહેશે તો આગામી ઉનાળો આકરો પડી રહેશે. લોકોને પાણી વગર વલખા મારવા પડશે.

ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્‍યને લઇને ચિંતામાં પડયા છે. વરસાદ ન હોવાથી વાતાવરણમાં ગરમીને રિ-એન્‍ટ્રી થઈ છે. ફરીથી બફારો મારવાની શરૂઆત થઈ છે. જેથી લોકો પણ કંટાળ્‍યા છે.

(11:09 am IST)