Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

એવો પાસો ફેંકયો કે વિપક્ષને પણ સાથ આપવો પડયો

પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા મોદી સરકારે OBCનો ખેલ્યો રાજકીય દાવ : ફાયદો મળશે

ગુજરાત સહિતના રાજ્યોમાં OBC સમુદાય ઉપર પકડ વધુ મજબૂત બનશે

નવી દિલ્હી તા. ૧૦ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે વધુ એક રાજકીય દાવ ખેલ્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં બંધારણના ૧૨૭માં સુધારાનો ખરડો રજૂ કર્યો છે. આ ખરડો પાસ થયા પછી રાજ્યોને ફરી એકવાર ઓબીસીની યાદીમાં કોઇ જાતિને અધિસૂચિત કરવાનો અધિકાર મળી જશે, તો આને સરકારની પછાતોમાં પકડ મજબૂત કરવાની કોશિષ તરીકે પણ જોવાઇ રહ્યું છે.

કોંગ્રેસ સહિત સંપૂર્ણ વિપક્ષ આ વિધેયકને ટેકો આપવાની જાહેરાત કરી ચૂકયો છે. એટલે સરકારને આ ખરડો પાસ કરાવવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. આ ખરડો પસાર થયા પછી હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત, ગુજરાતમાં પટેલને ઓબીસીમાં સામેલ કરવાનો અધિકાર રાજ્યોને મળી જશે. આની અસર રાજ્યોના રાજકારણ પર પડશે અને ભાજપા તેને મતમાં ફેરવવાની કોશિષ કરશે.

અન્ય પછાત વર્ગ માટે મોદી સરકારનો આ બીજો મોટો નિર્ણય છે. આ પહેલા સરકારે મેડીકલના કેન્દ્રીય કવોટામાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ચૂંટણી છે. યાદવ સિવાયની અન્ય પછાત જાતિઓ ભાજપાને મત આપતી રહી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ઓબીસી એ ભાજપાને મોટા પ્રમાણમાં મત આપ્યા હતા. એટલે ભાજપા પોતાનો જનાધાર મજબૂત કરી રહી છે. યુપીમાં સપા અને બસપા બંનેની નજર પછાત વર્ગ પર છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પછાત વર્ગનું સંમેલન કરીને ઓબીસી મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિષ કરી રહ્યા છે તો બસપાએ ઓબીસીની વસ્તી ગણત્રીની માંગણી કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એટલે ઓબીસી જો ભાજપામાંથી છટકે તો ચૂંટણીનું ગણીત બગડી શકે છે. એટલે જ ભાજપા પોતાની વોટબેંક જાળવી રાખવા માંગે છે.

(10:24 am IST)