Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બિહાર : ૮ વર્ષની બાળકીની બલિ

તાંત્રિકે કહ્યું : ગર્ભવતી માતાને કુંવારી બાળકીના ખૂન અને આંખોથી બનેલ તાવીજની જરૂર

 

પટણા,તા.૧૦ : બિહારમાં ૮ વર્ષની બાળકીની બલિનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. બિહાર પોલીસે બલિ આપવાના માટે એક આઠ વર્ષીય બાળકીની દર્દનાક હત્‍યાના મામલાનો સોમવારે પર્દાફાશ કર્યો છે. થોડા દિવસ પહેલાં જ બાળકીનો ક્ષત વિક્ષત મૃતદેહ મળી આવ્‍યો હતો. પ્રારંભિક તપાસમાં તેની સાથે બળાત્‍કારની આશંકા વ્‍યક્‍ત કરાઈ હતી. જો કે પોસ્‍ટમાર્ટમમાં બળાત્‍કારની પુષ્ટિ થઈ ન હતી.

મુંગેરના પોલીસ અધિક્ષક જેજે રેડ્ડીએ કહ્યું કે, એક આરોપી દિલીપ કુમાર નવા રામનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પદમ ગામનો રહેવાસી છે. તેણે એક તાંત્રિક પરવેઝ આલમને જણાવ્‍યું કે તેની પત્‍નીનો ગર્ભપાત અટકાવવા માટે એક બાળકીની બલિ આપવી પડશે. તેણે જણાવ્‍યું કે તેની પત્‍ની અનેક વર્ષ બાદ બાળકને જન્‍મ આપવાની હતી. દંપતિનું માનવું હતું કે આલમની જાદૂઈ શક્‍તિઓને કારણે આ સંભવ બન્‍યું હતું.

તાંત્રિકે દંપત્તિને કહ્યું કે, ગર્ભવતી માતાને એક કુંવારી છોકરીના ખૂન અને આંખોથી બનેલ તાવીજ પહેરવાની જરૂર છે. દિલીપે ગામમાં જ રહેતા તનવીર આલમને આ અંગે વાત કરી હતી. તનવીરે જ તેને તાંત્રિકથી મળાવ્‍યો હતો. જે બાદ બંને પાસેના એક ગામ ફરદામાં રહેતા દશરથની પાસે ગયા હતા. દશરથે કહ્યું કે તે પોતાના પોલ્‍ટ્રી ફર્મમાં બલિની વ્‍યવસ્‍થા કરી શકે છે.

જે બાદ બાળકીને ગત ગુરુવારે ઉઠાવવામાં આવી હતી. જયારે તે ગંગાના કિનારે પોતાના માછીમાર પિતાને બપોરનું ભોજન આપીને ઘરે પરત ફરી રહી હતી. એસપીએ કહ્યું કે, આ ગંભીર કૃત્‍ય બાદ ત્રણેય ખગડિયામાં તાંત્રિકને મળ્‍યા, જેણે એક તાવીજ બનાવ્‍યું. અને આ તાવીજને દિલીપે પોતાની પત્‍નીના ગળામાં પહેરાવ્‍યું હતું. અમે દિલીપની સાથે તનવીર અને દશરથની ધરપકડ કરી છે. અને તાંત્રિકની પણ ધરપકડ કરી છે.

(10:11 am IST)