Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી દઇને ચીનની અવકાશમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાતઃ કોઇ તાર વિના પૃથ્વી ઉપર વિજળી મોકલનાર પ્રથમ દેશ બની જશે

૨૦૨૮ સુધીમાં પૃથ્વીથી ૪૦૦ કિ.મી.ની ઉંચાઇ ઉપર સ્પેસ સ્ટેશન ઉપર સોલાર પ્લાન્ટ ઉભો કરી દેશે

નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી દઇને ચીને અવકાશમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
ચીને અમેરિકા અને બ્રિટનને પાછળ છોડીને અવકાશમાં પોતાની સોલર પેનલ લગાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. તે અવકાશમાંથી પૃથ્વી પર વીજળી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે 2028 સુધીમાં પૃથ્વીથી 400 કિ.મી.ની ઊંચાઇ પર સ્થિત સ્પેસ સ્ટેશન પર સોલર પ્લાન્ટ ઊભો કરશે. તે આ કાર્યમાં સફળ રહેશે તો આમ કરનારો સૌપ્રથમ દેશ હશે. આમ કરીને તે કોઇ તાર વિના પૃથ્વી પર વીજળી મોકલવા સક્ષમ બની જશે.
અવકાશમાં સૂર્યાસ્ત થતો જ ન હોવાથી ચીનનો આ સોલર પાવર પ્લાન્ટ અનલિમિટેડ એનર્જીનો સ્ત્રોત બની જશે. અગાઉ ચીન આ પ્રોજેક્ટ પર 2030માં કામ શરૂ કરવાનું હતું પણ હવે 2 વર્ષ વહેલું શરૂ કરશે.
તેનો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો તે 2050 સુધીમાં બ્રિટનના તમામ પ્લાન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતી વીજળી જેટલા ઇલેક્ટ્રિક પાવરનું ઉત્પાદન કરવા લાગશે. આ પ્લાન રાષ્ટ્રપતિ શી જિનપિંગના એ દાવાનો ભાગ છે કે જેમાં જણાવાયું છે કે ચીન 2060 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરતો દેશ બની જશે. ચાઇના એકેડમી ઑફ સ્પેસ ટેક્નોલોજીના વિજ્ઞાની પાંગ ઝાઓના જણાવ્યાનુસાર પૃથ્વીથી 36 હજાર કિ.મી.ની ઊંચાઇ પર સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાનો ચીનનો પ્લાન છે. આ પાવર પ્લાન્ટ 24X7 સૌરઊર્જા સપ્લાય કરી શકશે.
લેસર બીમ દ્વારા પૃથ્વી પર વીજળી પહોંચશે
આ સોલર પ્લાન્ટ સૌરઊર્જાને પહેલાં વીજળીમાં અને પછી માઇક્રોવેવ તથા લેસરમાં ફેરવીને પૃથ્વી પર મોકલશે. આ લેસર્સને પૃથ્વી પરના ટ્રાન્સમીટર રિસીવ કરશે. પછી તેમને ઇલેક્ટ્રિક પાવરમાં ફેરવીને વિવિધ ગ્રીડ સુધી પહોંચાડશે. તેનો સામાન્ય વીજળીની માફક ઉપયોગ થઇ શકશે.
બ્રિટન 1.55 લાખ કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર, અમેરિકા પણ આ જ દિશામાં
ચીનની સાથોસાથ બ્રિટન અને અમેરિકા પણ અવકાશમાંથી પોતાના દેશમાં વીજળી પહોંચાડવાની તૈયારીમાં લાગ્યા છે. બ્રિટને તે માટે 16 અબજ પાઉન્ડ (અંદાજે 1.55 લાખ કરોડ રૂ.) ખર્ચવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં યુરોપના દેશોની પણ હિસ્સેદારી હશે. બીજી તરફ અમેરિકામાં 20 વર્ષ અગાઉ નાસાએ આવો પ્રસ્તાવ મૂક્યો હતો પણ તેની જટિલતા અને ખર્ચ ધ્યાનમાં લેતાં પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. હવે નાસા અમેરિકન એરફોર્સ સાથે મળીને ફરી તે દિશામાં કામ કરવા જઇ રહ્યું છે. ચીને વર્ષ 2020માં સ્પેસ એક્ટિવિટીઝ પાછળ અંદાજે 69 હજાર કરોડ રૂ. ખર્ચ્યા છે, જે અમેરિકા બાદ સૌથી વધુ છે.
 

(4:48 pm IST)