Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નવા શ્રમ કાયદામાં કર્મચારીના કામના કલાકો, વાર્ષિક રજાઓ સહિત ઘણું બદલાઇ જશે

નવી વ્‍યવસ્‍થામાં વધુમાં વધુ ૧૨ કલાક કામ કરવાનો પ્રસ્‍તાવ છેઃ જ્‍યારે સાપ્‍તાહિક મર્યાદા ૪૮ કલાક રખાઇ છે : નવા કર્મચારીઓને હવે રજાઓ મેળવવા યોગ્‍ય થવા ૨૪૦ દિવસ રાહ નહીં જોવી પડે : દર વર્ષે ૪૫માંથી ૩૦ રજાઓ કેરી ફોરવર્ડ થશે : જ્‍યારે બાકીની ૧૫ રજાઓ કેશ મળશે : કર્મચારીઓ અને કંપનીઓ વચ્‍ચે કામ, સેલેરી, રજાઓ સહિતની બાબતોને લઇને ચાલતા ઘર્ષણોને ઘટાડવાના હેતુથી મોદી સરકાર આ નવા લેબર કોડ લાવી છે

નવી દિલ્‍હી,તા.૧૦: મોદી સરકારે કર્મચારી અને કંપની માટે નવા લેબર કોડ બનાવ્‍યા છે. સરકાર ચાર લેબર કોડ લાવી રહી છે, જેનાથી કર્મચારી અને કંપની બંનેને ફાયદો થશે. નવા લેબર કોડ દ્વારા મોદી સરકાર કર્મચારીઓની સેલેરી, સોશિયલ સિક્‍યોરિટી જેમકે, પેન્‍શન અને ગ્રેજયુઈટી, લેબર વેલફેર, આરોગ્‍ય, સુરક્ષા અને વર્કિંગ કન્‍ડિશનમાં રિફોર્મ કરવાની છે. એટલે કે, નવા લેબર કોડ પછી કર્મચારીઓના કામના કલાકો એટલે કે કામ કરવાના કલાકો અને રજાઓ જોવા મળી શકે છે.

નવા લેબર કોડ લાગુ થયા પછી વધુમાં વધુ ૧૨ કલાક કરવાનો પ્રસ્‍તાવ છે. જોકે, સાપ્તાહિક મર્યાદાને ૪૮ કલાક પર ફિક્‍સ રખાઈ છે. એટલે કે, નવી વ્‍યવસ્‍થામાં ૪ દિવસ કામ કરીને ૩ દિવસ વીકઓફ પણ મળી શકશે, જો તમે રોજ ૧૨ કલાક કામ કરો છો. તેમજ ઓવરટાઈમના કલાકોને પણ એક ક્‍વાર્ટમાં ૫૦ કલાકથી વધારીને ૧૨૫ કલાક કરી દેવાયા છે. તેનાથી વીકેન્‍ડ પર કર્મચારી ઓવરટાઈમ કરી વધારાના રૂપિયા કમાઈ શકે છે.

નવી વ્‍યવસ્‍થામાં માત્ર ૪ દિવસ કામ અને ત્રણ દિવસ રજા... એ સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પરંતુ હકીકત થોડી અલગ છે. જે ૪ દિવસ તમે કામ કરશો, તે ૧૨-૧૨ કલાક કામ હશે. મોડે સુધી કામ કરવાની અસર તમારા સ્‍વાસ્‍થ્‍ય પર થઈ શકે છે. ઘણી વખત તે પછી કંપનીઓ ઓવરટાઈમ માટે કહી શકે છે. એવામાં ભલે તમને થોડા વધુ રૂપિયા મળી જાય, પરંતુ તમારું કામ ઘણું વધી જશે. તમારું સ્‍વાસ્‍થ્‍ય પણ બગડી શકે છે.

નવા લેબર કોડમાં રજાઓને લઈને પણ એક મોટો ફેરફાર કરાયો છે. અત્‍યાર સુધી નવા કર્મચારીને રજાઓ માટે યોગ્‍ય થવા માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામ કરવું પડતું હતું, પરંતુ હવે કોઈપણ કર્મચારી માત્ર ૧૮૦ દિવસમાં જ રજા લેવા યોગ્‍ય થઈ જશે. એટલે કે હવે રજા મેળવવા યોગ્‍યતાની મર્યાદા સુધી પહોંચવા માટે તમારે ઓછા દિવસ રાહ જોવી પડશે. સરકારનું આ પગલું કર્મચારીઓને ઘણું રાહત આપનારું છે.

સરકારે નવી વ્‍યવસ્‍થામાં રજાઓની સંખ્‍યાને પહેલા જેવી જ રાખવામાં આવી છે. એટલે કે, દર ૨૦ દિવસ કામ કરવા પર તમારે ૧ દિવસની રજા મળશે. સાથે જ, કેરી ફોરવર્ડ થનારી રજાઓની સંખ્‍યાને પણ બદલવામાં આવી નથી અને તે ૩૦ જ રખાઈ છે. જોકે, રજાઓને લઈને જે જોગવાઈ માત્ર મેન્‍યુફેક્‍ચરિંગ ઈન્‍ડસ્‍ટ્રી પર લાગુ થતી હતી, તે હવે બધા સેક્‍ટર પર લાગુ થશે.

નવા લેબર કોડ અંતર્ગત હવે દર વર્ષના અંતમાં રજાઓને એનકેશ કરવું જરૂરી કરી દેવાયું છે. એટલે કે, દર વર્ષના અંતમાં તમારી પાસે ૪૫ દિવસની રજા બચી છે, તો તેમાંથી ૩૦ રજાઓ તો કેરી ફોરવર્ડ થશે, પરંતુ બાકી રહેલી ૧૫ રજાઓ કેશ કરાશે. અત્‍યાર સુધીના નિયમો મુજબ, રજાઓ માત્ર વર્ષના અંતમાં જ કેશ કરાય છે, પરંતુ નવા લેબર કોડમાં આ નિયમ બદલાઈ જશે.

કોરોના કાળમાં વર્ક ફ્રોન હોમ એક મહત્‍વની પ્રેક્‍ટિસ બનીને ઊભરી છે. એવામાં નવા લેબર કોડ બનાવવા દરમિયાન સરકારે તેનું પણ ધ્‍યાન રાખ્‍યું છે. જોકે, તેના પર કયા પ્રકારની જોગવાઈ બનશે, હજુ તેનું ચિત્ર સ્‍પષ્ટ થયું નથી. નવી વ્‍યવસ્‍થા અંતર્ગત વર્ક ફ્રોમ હોમને લઈને કંપનીઓ તરફથી પણ કેટલીક ગાઈડલાઈન્‍સ બની શકે છે. વર્ક લાઈફ બેલેન્‍સમાં વર્ક ફ્રોમ હોમ મહત્‍વનો ફાળો આપી શકે છે. હજુ પણ કેટલીક કંપનીઓ હાઈબ્રિડ મોડલ અપનાવી રહી છે, જેમાં થોડા દિવસ ઘરેથી કામ કરવાનું હોય છે અને થોડા દિવસ ઓફિસથી. આ મોડલને મોટાભાગના કર્મચારી પસંદ પણ કરી રહ્યા છે. 

(10:27 am IST)