Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

GST ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસઃ ફોર્મ ૧૭ પેજનું થઇ ગયું

૩૧ ડિસે.ની મુદ્દત ૧૦ જાન્યુઆરી કરાઇ છતાં GST પોર્ટલના ઠેકાણા નથી

મુંબઇ તા. ૧૦ : જીએસટીનુ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે છતાં વેપારીઓ ફોર્મ ભરી શકતા નથી તેની પાછળનુ કારણ એવુ છે કે,રાતોરાત ફોર્મ ભરવાની ફોર્મ્યુલા બદલાઇ જાય છે જેના કારણે કેવી રીતે ફોર્મ ભરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો બીજી તરફ તા.૩૧ ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેની મુદત વધારીને તા.૧૦ જાન્યુઆરી કરી હતી.

 

આ સમય દરમ્યાન જીએસટી પોર્ટલ પર જૂના ફોર્મ ભરવાનુ બંધ કરી દેવાયુ હતુ જેના કારણે માત્ર ગુજરાતના જ નહિ દેભરના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના વેપારી સંગઠનોની સાથે દેશના મોટા વેપારી એસોસિએશનોએ જીએસટી ફોર્મ ઓનલાઇન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. જીએસટી કાયદાનો અમલ થયો ત્યારથી ધાંધિયા ચાલુ છે અને સિસ્ટમના કોઇ ઠેકાણા નથી. કરોડો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે.

 

જીએસટી ફોર્મમાં વારંવાર સુધારાઓ કરાય છે જેના કારણે ઓનલાઇન ફોર્મ ફાઇલ કરી શકાતા નથી.પહેલા જીએસટીનુ ફોર્મ ૧૨ પાનાનુ હતુ જેમાં સુધારાઓ કરીને ૧૭ પાનાનુ કરી દેવામાં આવ્યુ છે. ૨૦ દિવસમાં ૨૦ સુધારાઓ કરી દેવાયા છે. યુટિલિટી ફોર્મમાં સુધારાઓ થવાને કારણે જીએસટી પોર્ટલ ફોર્મ સ્વીકારતુ નથી. આમ વાંરવાર જીએસટી કમિટી જે સુધારાઓ કરે છે તેની સાથે ફોર્મ ભરવા માટેની મુદતમાં વધારો કરાતો નથી. કરોડો રૂપિયાના બિઝનેશને નુકસાન થઇ રહ્યુ છે.

જીએસટીના કાળા કાયદાનો દેશભરમાં વિરોધ થયો છતાં જીએસટી સિસ્ટમને જીએસટી કમિટી જ સમજી શકી નથી જેનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. સોમવારે રાત્રિના જીએસટીનું ફોર્મ છેલ્લીવાર બદલાયું છે. ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસ બાકી હોય ત્યારે ફોર્મ બદલવામા આવે ત્યારે ઓનલાઇન ફાઇલીંગ થઇ શકે નહિ તેવુ જીએસટી અધિકારીઓ જાણતા હોવા છતાં મનફાવે તેમ સુધારાઓ કરે છે.

બે વર્ષ સુધી કાર્યવાહી નહીં થાય એ વાત ખોટી

જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારે જીએસટી અધિકારીઓ બે વર્ષ સુધી કોઇ તપાસ કે નોટિસો આપશે નહિ તેવી કેન્દ્રના નાણામંત્રાલયે જાહેરાત કરી હેવા છતાં મુબઇમાં જીએસટી કમિશનરે જે આગડિયા પેઢીઓના ડાયમંડ અને જવેલરીના પાર્સલોની તપાસ કરી છે જેના કારણે અમદાવાદ,સુરત અને ભાવનગરની પેઢીઓ અને તેની સાથે ધંધો કરતા નાના મોટા વેપારીઓ અને જવેલર્સોના ધંધા બંધ જેવા થઇ ગયા છે. પાછલા બારણે જીએસટી વિભાગની કામગીરીથી ગુજરાતના સમગ્ર ટ્રેડ એસોસીએશનોમાં ભારે રોષ ફેલાયો છે.

 

(10:51 am IST)