Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

જામનગરના બોકસાઈટના વેપારી સાથે એક કરોડ ૩૫ લાખની છેતરપિંડી પ્રકરણમાં મુંબઈમાંથી નાઈજિરિયન નાગરિક-વિદેશી મહિલા અને એક મહારાષ્ટ્રીયની ધરપકડ :ત્રણેયના નવ દિવસના રિમાન્ડ મંજુર

 જામનગર:જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હતી અને વેક્સિન બનાવવાના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી એક કરોડ ૩૫ લાખની રકમની છેતરપીંડી કરવા અંગે ૧૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી, જેની તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યા પછી એક નાઇજીરિયન નાગરિક, એક વિદેશી મહિલા સહીત ત્રણની અટકાયત કરી  જામનગર લઈ આવ્યા છે, અને તેઓ પાસેથી કેટલુંક સાહિત્ય પણ કબજે કર્યું છે. અને વધુ પૂછપરછ હાથ ધરી હતી .
 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પેલેસ રોડ પર  સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને બોકસાઈટ ના ધંધાર્થી મનોજભાઈ અનંતરાય શાહએ ૧ જૂનના દિવસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે વેકસિન ના ધંધામાં ૫૦ ટકા નફાની લાલચે કટકે કટકે રૂપિયા એક કરોડ ૩૫ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે નાઇજીરીયન નાગરિકો સહિત ૧૪ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.
 જે ફરિયાદના અનુસંધાને જામનગરના સીટી બી ડિવિઝન ના પોલીસ સ્ટાફે તપાસનો દોર છેક મુંબઈ સુધી લંબાવ્યો હતો, ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી નાઈજિરિયન પ્રેમી જોડાની અટકાયત કરી લીધી છે, તેમજ તેઓની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સની પણ અટકાયત કરી લીધી છે.
 જે ત્રણેયને જામનગર લઈ આવ્યા પછી ગઇરાત્રે જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે રજૂ કરાયા હતા. જે ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી પોલીસે ત્રણેયની છેતરપિંડી અંગેના ગુનામાં ધરપકડ કરી લીધી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણેયના નવ દિવસના રિમાન્ડ મંજુર થયા છે .
 પોલીસે મુંબઈ માં પાડેલા દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી છેતરપિંડી ને લગતું કેટલુંક સાહિત્ય વગેરે પણ કબજે કર્યો છે, અને સાથે લઈ આવ્યા છે. આ પ્રકરણમાં હજુ અન્ય ૧૧ આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

(9:10 pm IST)