Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પેટ્રોલ ૩૫ પૈસા મોંઘુ થયું

દિલ્હી - મુંબઇ - ચેન્નાઇ - કોલકત્તામાં પેટ્રોલની સદી : સરકાર મલાઇ ખાવામાં વ્યસ્ત

નવી દિલ્હી તા. ૮ : પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ઘિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્હી- પેટ્રોલ ૧૦૦.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ- પેટ્રોલ ૧૦૬.૫૯ રૂપિયા અને ડીઝલ ૯૭.૧૭ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈ- પેટ્રોલ ૧૦૧.૩૬ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા- પેટ્રોલ ૧૦૦.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૫૩ રૂપિયા પ્રતિ લીટર થયો છે.

દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર આંતરાષ્ટ્રીય ભાવો વધવાના કારણને આગળ ધરીને પોતાના હાથ ઉંચા કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, આંતરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલની કિંમતમાં ૧૫ ટકાનો વધારો થયો છે. જોકે, મોદી સરકાર પોતાના ટેકસમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. શહેરના મોટા તમામ શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે પરંતુ મોદી સરકાર ટેકસ રૂપી મલાઈ ખાવામાં વ્યસ્ત છે.

જયારે પેટ્રોલ-ડીઝલની આંતરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં ઘટાડો થાય છે તો મોદી સરકાર ટેકસમાં વધારો કરી નાંખે છે. જોકે, જયારે પેટ્રોલ-ડીઝલના આંતરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે છે ત્યારે મોદી સરકાર પોતાના ટેકસમાં ઘટાડો કરતી નથી. વર્તમાનમાં સામાન્ય લોકોનું જીવન અસહ્ય બની રહ્યું છે.

(12:00 pm IST)