Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

કૂતુબ મિનારમાં ગણેશજીની પૂજાની ભાજપ નેતાની માગ

કૂતબ મિનારમાં રખાયેલી ગણેશ મૂર્તિઓનો વિવાદ વકર્યો : મહરૌલીના ભાજપના કાઉન્સિલર આરતી સિંહે એવો દાવો કર્યો છે કે, કુતુબ મિનાર પહેલા મંદિર જ હતું

નવી દિલ્હી, તા.૮ : કુતુબ મિનારમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિઓ અંગેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. અગાઉ આ મૂર્તિઓને ત્યાંથી ખસેડીને અન્ય સન્માનજનક જગ્યાએ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે ભાજપના કાઉન્સિલરે આ મૂર્તિઓને કુતુબ મિનારમાં જ ઉચિત સ્થાન પર રાખીને ત્યાં પૂજા-આરતી કરાવવા માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક કુતુબ મિનારમાં મંદિર હોવાનો અને દેવી-દેવતાઓની મૂર્તિઓને અપમાનજનક રીતે રાખવામાં આવી હોવાનો વિવાદ અનેક દશકાઓ જૂનો છે. ત્યારે હવે સ્થાનિક કાઉન્સિલર આરતી સિંહે એવો દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૦૦ સુધી કુતુબ મિનાર સ્થિત પ્રાચીન મંદિરમાં લોકો પૂજા-આરતી કરવા આવતા હતા જે બાદમાં કોઈ કારણસર બંધ કરાવવામાં આવ્યું.

મહરૌલીના ભાજપના કાઉન્સિલર આરતી સિંહે એવો દાવો કર્યો છે કે, કુતુબ મિનાર પહેલા મંદિર જ હતું. આજે પણ કુતુબ મિનારની અંદર અનેક ઠેકાણે દેવી-દેવતાઓની મૂર્તિઓના અવશેષ જોવા મળે છે. આરતીનો આરોપ છે કે, કુતુબ મિનારમાં સ્થિત મસ્જિદ પરિસરમાં ભગવાનની મૂર્તિઓને જમીન પર રાખીને તેને અપમાનિત કરવામાં આવી રહી છે.

અગાઉ બુધવારે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી (એનએમએ) દ્વારા પણ આવો જ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે એનએમએદ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ઓએસઐઆ)ને પત્ર પણ લખવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન ગણેશની મૂર્તિઓને કુતુબ મિનારમાં અપમાનજનક રીતે રાખવામાં આવી છે. આ મૂર્તિઓને ત્યાંથી હટાવીને નેશનલ મ્યુઝિયમમાં રાખવી જોઈએ.

કુતુબ મિનારમાં મુખ્ય દરવાજામાંથી દાખલ થઈએ એટલે

કુવ્વતુલ ઈસ્લામ મસ્જિદનો ગેટ આવે છે. કુવ્વતુલ ઈસ્લામનો અર્થ થાય છે ઈસ્લામની શક્તિ. તેની ચારે તરફ જે પરિસર આવેલું છે તેમાં 'ફના' સહિત અનેક ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે. મસ્જિદની બહાર જે શિલાલેખ છે તેના પર સ્પષ્ટ લખ્યું છે કે, હોલવેના જે થાંભલાઓ છે તેની નિર્માણ સામગ્રી ૨૭ હિંદુ અને જૈન ધર્મના લોકોના મંદિરોમાંથી લેવામાં આવી હતી. આ મામલે કાઉન્સિલર આરતી સિંહે એવી માગણી કરી છે કે, પુરાતત્વ વિભાગ ત્યાં ફરી ભગવાન ગણેશની મૂર્તિ બનાવે અને ત્યાં પરંપરાગત રીતે પૂજા-આરતી કરવામાં આવે.

કુતુબ મિનારની નજીક આવેલા યોગમાયા મંદિરના પુજારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, કુતુબ મિનારની અંદર અનેક વર્ષોથી ભગવાન ગણેશની પૂજા થઈ રહી હતી. રાજા પૃથ્વિરાજ ચૌહાણ દ્વારા ત્યાં મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે પૂજા-પાઠ થતા હતા પંરતુ ભારતમાં જ્યારે મુઘલો આવ્યા તો આ મંદિરોને તોડીને તેને મસ્જિદમાં ફેરવી દીધા.

એવો પણ દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૦૦ સુધી કુતુબ મિનારની અંદર ભગવાનની આરતીમાં તેઓ હિસ્સો લઈ ચુક્યા છે. પરંપરાગત પુજારીના પરિવારની એવી માગણી છે કે, મુઘલોએ જે મંદિરને તોડ્યું હતું તેને પુનઃસ્થાપિત કરવામાં આવે અને ત્યાં પરંપરાગત પૂજા-આરતી શરૂ કરવામાં આવે.

અગાઉ ભાજપના નેતા તરૂણ વિજયે પણ અનેક વખત કુતુબ મિનારમાં રાખવામાં આવેલી 'ઉલ્ટા ગણેશ'ની મૂર્તિ અને પાંજરામાં બંધ અન્ય પ્રતિમાનો મુદ્દો ઉઠાવ્યો છે. તરૂણ વિજયના કહેવા પ્રમાણે તેમણે પોતે અનેક વખત જઈને કુતુબ મિનારમાં આ વસ્તુઓ જોઈ છે. ત્યાં મૂર્તિઓને ખૂબ જ અપમાનજનક રીતે રાખવામાં આવી છે. 

(7:48 pm IST)