Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું

આવનાર દિવસોમાં દુધના ભાવમાં ફરી વધારો થવાના સંકેતો દેખાઇ રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૮ : મોંઘવારીના લિસ્‍ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્‍તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્‍તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્‍યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્‍ટ્‍સના ભાવ વધારી દીધા છે. દૂધ-છાશ બાદ હવે બટરના ભાવ પણ વધ્‍યા છે. અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બટના ૧૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને ૧ કિલોના પેકેટના ભાવ વધારાયા છે.

ઉલ્લેખનીય છે કે, અમૂલે ૧ માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો. તેના બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે. જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્‍પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્‍યતા નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં ૮ ટકાનો વધારો નોંધાયો છે. 

અમુલે છાશના ભાવમાં  વધારો કર્યા બાદ સુમુલે પણ લીટરે ૪ રૂપિયાનો વધારો કર્યો છે.આજથી નવો ભાવ વધારો અમલી થયો છે. દ્યાસચારો, ખાણદાણ, પેકેજિંગ અને ટ્રાન્‍સપોર્ટના ભાવમાં પણ દ્યરખમ વધારો થયો છે. જેથી ખર્ચાને સરભર કરવા સુમુલે છાશના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ છાશની ૫૦૦ મિલિની કોથળી ૧૩ રૂપિયા પરથી વધીને હવે ૧૫ રૂપિયાની થઈ છે. એટલે ૧ લીટર છાશના ભાવમાં ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. સુરત શહેરમાં સુમુલ ડેરી દ્વારા રોજની સરેરાશ ૩ લાખથી વધારે લીટર છાશનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ ડિઝલ સહિત અનેક ચીજ વસ્‍તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા દિવસોમાં દુધના ભાવમાં ફરી વધારો થવાના સંકેતો દેખાઈ રહ્યાં છે. (૨૨.૧૧)

અમૂલ બટરના જૂના અને નવા ભાવ

અમૂલ બટર ૧૦૦ ગ્રામ - ૫૦ રૂપિયાથી ૫૨ રૂપિયા થયા

અમૂલ બટર ૫૦૦ ગ્રામ - ૨૪૫ રૂપિયાથી ૨૫૫ રૂપિયા થયા

અમૂલ બટર ૧ કિલો - ૫૩૦ રૂપિયાથી ૫૫૦ રૂપિયા થયા

(10:41 am IST)