Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિહાર ચૂંટણી : મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને બહુમત : નીતીશકુમાર- એનડીએના વળતા પાણી : ચિરાગ પાસવાન પણ નિષ્ફ્ળ

મુખ્યમંત્રી તરીકે 44 ટકા લોકોએ તેજસ્વી યાદવને પસંદ કર્યો રામ મંદિર, કલમ 370, અનામત, પુલવામા, પાકિસ્તાન, ચીન અને CAA-NRC અને ઘુષણખોરી જેવા મુદ્દા ઉઠ્યા :જંગલરાજનો ડર પણ બતાવ્યો

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી 2020નું ત્રણેય તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે. આ પહેલા વિવિધ એક્ઝિટ પોલમાં બિહારમાં મહાગઠબંધનની સરકાર બની રહી છે. બિહારમાં મુખ્યમંત્રી તરીકે 44 ટકા લોકોએ તેજસ્વી યાદવને પસંદ કર્યો છે

બિહારમાં EXIT Poll જોઇએ તો ABP-C Voter NDAને 104થી 128 બેઠક આપી રહ્યા છે. જ્યારે મહાગઠબંધનને 108-131 બેઠક આપી રહી છે. ચિરાગ પાસવાનની LJPને 1-3 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે અન્યનને 4થી 8 બેઠક મળી શકે છે. રિપલ્બિક ટીવી-જનકી બાતમાં પણ મહાગઠબંધનની સરકાર બની રહી છે. જેમાં NDAને 91થી 117 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે જ્યારે મહાગઠબંધનને 118થી 138 બેઠક મળી શકે છે. LJPને 5થી 8 બેઠક મળી શકે છે જ્યારે અન્યનને 3થી 6 બેઠક મળી રહી છે.

Gujarat Exclusiveના Exit Pollમાં NDAને 99થી 125 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે મહાગઠબંધનને 115થી 128 બેઠક મળી શકે છે. ચિરાગ પાસવાનની LJPને 04-08 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે અન્યને 03થી 7 બેઠક મળી શકે છે.

બિહારમાં ચૂંટણી પ્રચારમાં રોજગારનો મુદ્દો હાવી રહ્યો હતો. ભાજપે 19 લાખ નોકરીઓનો દાવો કર્યો હતો જ્યારે આરજેડીએ 10 લાખ નોકરીઓનો દાવો કર્યો હતો. આ સિવાય ચૂંટણી રેલીમાં રામ મંદિર, કલમ 370, અનામત, પુલવામા, પાકિસ્તાન, ચીન અને CAA-NRC અને ઘુષણખોરી જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા. NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નીતિશ કુમાર પોતાના ચૂંટણી કેમ્પેઇનમાં પોતાની 7 નિશ્ચય યોજનાઓનો ઉલ્લેખ કરવાની સાથે સાથે જંગલરાજનો ડર બતાવતા જોવા મળ્યા હતા. નીતિશ કુમારે લાલુ રાજના બહાને આરજેડી પર નિશાન સાધ્યુ હતું.

2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન (જેમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ શેર મંચ પર હતા) 178 બેઠકો સાથે બહુમત મેળવ્યો હતો. ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએએ 58 બેઠકો પર જ સંતોષ કરવો પડ્યો હતો. મહાગઠબંધન તરફથી નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, 2017માં તે મહાગઠબંધનથી અલગ થઇ ગયા હતા અને NDAમાં સામેલ થયા હતા પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર તેમનો કબજો રહ્યો હતો. તે 15 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે. બિહારમાં 10 નવેમ્બરે મત ગણતરી થશે.

(11:57 pm IST)