Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મંદિરમાં તોડફોડ:પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશે દુનિયામાં પાકિસ્તાનની છબીને ગંભીર નુકસાન

પંજાબના પોલીસ વડાને ઠપકો આપ્યો: પ્રશ્ન કર્યો કે જો મસ્જિદ પર આવો હુમલો થયો હોત તો મુસ્લિમો શું કરત ? : કોઇ આરોપીની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી :પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે શુક્રવારે મંદિર પર હુમલો અને તોડફોડની ઘટના બદલ પંજાબના પોલીસ વડાને ઠપકો આપ્યો છે. પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના મુખ્ય સંરક્ષક રમેશ કુમારને મળ્યા પછી, મુખ્ય ન્યાયાધીશે ભોંગ ગામમાં મંદિર પર થયેલા હુમલાની જાતે નોંધ લીધી અને સુનાવણી દરમિયાન આદેશ આપ્યો કે ઘટનામાં સામેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

તેમણે 8 વર્ષના હિન્દુ છોકરાની ધરપકડ કરનાર પોલીસકર્મીને પણ સસ્પેન્સ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે અત્યાર સુધી કોઇ આરોપીની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને એ પણ પ્રશ્ન કર્યો કે જો મસ્જિદ પર આવો હુમલો થયો હોત તો મુસ્લિમો શું કરતા?

રિપોર્ટ અનુસાર, ચીફ જસ્ટિસ ગુલઝારે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે, અને પંજાબના મુખ્ય સચિવ અને IGP ને રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. કેસની આગામી સુનાવણી 13 ઓગસ્ટે થશે. આજની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને પોલીસને ઠપકો આપ્યો અને કહ્યું કે આ હુમલાથી સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની છબીને ગંભીર નુકસાન થયું છે.

CJPએ કહ્યું કે ટોળું મંદિરમાં તોડફોડ કરતું રહ્યું અને પોલીસ મૂક દર્શક બની રહી. તેમણે પૂછ્યું, “પોલીસ વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું?” આ અંગે IGP ઇનામ ઘનીએ કહ્યું કે આસિસ્ટન્ટ કમિશનર અને ASP સ્થળ પર હાજર હતા. વહીવટીતંત્રની પ્રાથમિકતા મંદિર નજીક રહેતા 70 પરિવારોને સુરક્ષા આપવાની હતી. તેમણે કહ્યું કે, FIR માં આતંકવાદની કલમ ઉમેરવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “જો ડેપ્યુટી કમિશનર અને ડીપીઓ તેમનું કામ ન કરી શકે તો તેમને બરતરફ કરી દેવામાં આવે.” જયારે ન્યાયાધીશ કાજી અમીને અત્યાર સુધી પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલા અંગે માહિતી માંગી તો આઇજી ઇનામ ઘનીએ જણાવ્યું કે અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. એડિશનલ એટર્ની સોહેલ મેહમુદે કહ્યું કે પીએમ ઇમરાન ખાને આ ઘટનાની નોંધ લીધી છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે આ ઘટનાનું ધ્યાન કેસના કાનૂની પરિદ્રશ્ય પર રહેશે.

અત્યાર સુધી કોઈ પણ આરોપીની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, “ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.” જસ્ટિસ અમીને એમ પણ કહ્યું કે પોલીસ તેનું કામ કરવામાં નિષ્ફળ રહી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “જો પોલીસમાં પ્રોફેશનલ અધિકારીઓ હોત તો આ મામલો અત્યાર સુધીમાં ઉકેલાઈ ગયો હોત.” તેમણે કહ્યું, “વિચારો કે જો મસ્જિદ પર હુમલો થયો હોત તો મુસ્લિમોએ શું કર્યું હોત?”

(12:00 am IST)