Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શરીરની તંદુરસ્‍તી જાળવવા માટે પોષક તત્‍વોથી ભરપુર સરગવાના પાંડદા, ફુલ, શિંગોનો ખોરાકમાં જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકાય

સરગવાને આયુર્વેદમાં અમૃત કહે છે, તેમાં 300થી પણ વધુ બિમારીનો ઇલાજ હોવાનું મનાય છે

નવી દિલ્‍હીઃ સરગવામાં ઔષધીય ગુણ હોવાથી ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને અનેક ફાયદાઓ કરે છે. સરગવાના પાન, ફુલ તથા શિંગો ખોરાકમાં લઇ શકાય છે. તે બ્‍લડ સુગરને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત સેવન કરવુ જોઇએ.

ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પોષકતત્વોથી ભરપૂર કોઈ વસ્તુ મળી જાય તો દિવસ સુધરી જાય છે. કારણકે આપણને ખોરાકમાં માત્ર હેલ્ધી ફૂડ જ નહીં પરંતુ ટેસ્ટી ફૂડ પણ જોઈએ છે. આપણા દેશમાં એવી ઘણી વસ્તુઓ છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી વસ્તુઓ સરળતાથી બજારમાં મળી પણ જાય છે. અમે આવી જ એક વસ્તુ વિશે વાત કરી રહ્યા છે, જેના ફળ, પાંદડા અને ફૂલ ફાયદાકારક હોય છે. તેના સતત સેવનથી વ્યક્તિ હંમેશા તંદુરસ્ત અને તરોતાજા  રહે છે.

સરગવાના ઝાડના પાંદડા, ફૂલ વગેરેનો ખૂબ જ ફાયદાકારક છે. કારણકે તેમાં એન્ટીફંગલ, એન્ટીવાયરલ, એન્ટી ડિપ્રેસેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. આ સિવાય સરગવામાં અનેક ખનીજ તત્વો રહેલા છે. તે કેલ્શિયમનો નોન-ડેરી સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફોસ્ફોરસ જેવા તત્વો શામેલ છે. જે આપણા શરીરને માત્ર ફીટ જ નહીં પરંતુ વિકાસમાં પણ સહાયરૂપ હોય છે.

સરગવાનો ખોરાકમાં કેવી રીતે શામેલ કરાય?

સરગવાના ફળ અને પાંદડાનો ઉપયોગ ત્રણ અલગ-અલગ રીતે કરી શકાય છે. પાંદડાને કાચા, પાઉડર અથવા તો જ્યૂસના રૂપથી સેવન કરી શકાય. સરગવાના પાંદડાને પાણીમાં ઉકાળીને મધ અને લીંબુ નાંખીને પી શકાય છે.

સરગવાનો ઉપયોગ સૂપ અને કઢીમાં કરી શકાય છે. નિયમિતપણે એક ચમચી અથવા અંદાજે 2 ગ્રામ સરગવાનું સેવન કરવુ જોઈએ. દર્દીઓએ ડૉક્ટરની સૂચના મુજબ સરગવો લેવો જોઈએ. ઔષધિય ગુણથી ભરપૂર સરગવો બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટિસના દર્દીઓમાં નિયમિત સેવન ફાયદાકારક છે. સરગવાને અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક સરગવો, તો ક્યાંક મોરિંગાના નામે ઓળખવામાં આવે છે.

સરગવાને કેમ અમૃત કહેવામાં આવે છે-

સરગવાને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવ્યું છે. કારણકે સરગવામાં 300થી પણ વધુ બિમારીઓનો ઈલાજ હોવાનું માનવામાં આવે છે. સરગવાના કૂણા પાંદડા અને ફળ બંનેનો ઉપયોગ શાક તરીકે કરી શકાય છે. સરગવાના લીલા તેમજ સૂકા પાંદડામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન A, C અને Bની ભરપૂર માત્રા હોય છે. સરગવો વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. દક્ષિણ ભારતીય ઘરોમાં સરગવાનો પ્રયોગ સૌથી વધુ થાય છે.

(5:50 pm IST)