Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા મામલે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

ચાર ધામ સ્થળોની આજુબાજુમાં વસતી નોંધપાત્ર વર્ગની આજીવિકા આ યાત્રા પર નિર્ભર

નવી દિલ્હી : ઉત્તરાખંડ રાજ્ય સરકારે ચારધામ યાત્રા કેસમાં ઉત્તરાખંડ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર 7 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચાર ધામનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું પણ કહ્યું હતું, જેથી ભક્તો ઘરેથી તેમની મુલાકાત લઈ શકે. બુધવારે હાઈકોર્ટની બેઠક યોજાવાની છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલમાં રાજ્ય સરકારે દલીલ કરી છે કે ચાર ધામ સ્થળોની આજુબાજુમાં વસતી નોંધપાત્ર વર્ગની આજીવિકા આ માયાત્રા પર નિર્ભર છે તે હકીકતની હાઈકોર્ટે કદર કરી નથી. એવી રજૂઆત કરવામાં આવી છે કે ચાર ધામની આજુબાજુના ગ્રામજનો કઠોર વાતાવરણ અને હવામાનને કારણે વર્ષમાં લગભગ 6 મહિનાની કમાણી કરવામાં અસમર્થ છે. તેઓ ફક્ત યાત્રા દરમિયાન આજીવિકા મેળવે છે.

ઉત્તરાખંડ સરકારે એવી પણ દલીલ કરી છે કે ચાર ધામ સ્થળોનાં જીલ્લાઓમાં કોવિડ -19 પોઝિટિવ રેટ પ્રમાણમાં ઓછો છે. ઉદાહરણ તરીકે, 15 જૂન, 2021 થી જુલાઈ 2, 2021 સુધી, સકારાત્મક દર ચામોલી જિલ્લામાં 0.64% અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં 1.16% હતો.

(10:27 pm IST)