Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા બાદ શેરબજાર સપાટ બંધ થયા

સેન્સેક્સમાં ૧૮, નિફ્ટીમાં ૧૬ પોઈન્ટનો સામાન્ય ઘટાડો : ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૩૦ ટકાનો ઘટાડો, બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ મામુલી તેજી સાથે બંધ થયો

મુંબઈ, તા. ૬  : સ્થાનિક શેર બજાર મંગળવારે રેકોર્ડ ઉચ્ચ સ્તરેને સ્પર્શ્યા બાદ સપાટ બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૧૮.૮૨ પોઈન્ટ એટલે કે ૦.૦૪ ટકાની ગિરાવટ સાથે ૫૨૮૬૧.૧૮ પોઈન્ટના સ્તરે બંધ થયો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૧૬.૧૦ પોઈન્ટ એટલે કે ૦.૧૦ ટકાની ગિરાવટ સાથે ૧૫,૮૧૮.૨૫ પોઈન્ટના સ્તર પર બંધ થયો. નિફ્ટી પર અલ્ટ્રાટેર સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, એચડીએફસી બેંક, બજાજ ફાયનાન્સ તેમજ બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ઊછાળો નોંધાયો.

બીજી બાજુ ટાટા મોટર્સ, ગ્લેન્ડ ફાર્મા, ટેક મહિન્દ્રા, ટીસીએસ તેમજ કોલ ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ગિરાવટ જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી બેંક એક ટકાના ઊછાળ સાથે બંધ રહ્યો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ મામુલી તેજી સાથે બંધ થયો.

સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત ટીસીએસ, મારુતિ, રિલાયન્સ, સન ફાર્મા, ઈન્ફોસિસ, એમએન્ડએમ, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક, એનટીપીસી, એસબીઆઈ, પાવર ગ્રીડ, આઈટીસી, એશિયન પેઈન્ટસ, એલએન્ડટી, એક્સિસ બેંક, એચડીએફસી તેમજ બજાજ ઓઠોનાશેર લાલ નિશાન સાથો બંધ થયા હતા.

સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સૌથી વધુ ૩.૨૨ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી બેંક, બજાજડ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેંક,ભારતી એરટેલ અને ડોક્ટર રેડ્ડીસના શેર લીલા નિશાન પર બંધ થયા હતા.

એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ અને હોંગકોંગના શેર બજાર લાલ નિશાનની સાથે બંધ થયા. તો વળી સિયોલ તેમજ ટોક્યોમાં શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયા. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં ગિરાવટ જોવા મળી હતી.

આ દરમિયાન અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો ૨૪ પૈસા તૂટીને ૭૪.૫૫ના સ્તરે બંધ થયો છે.

શેર બજારના પ્રોવિઝનલ આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો સોમવારે શુધ્ધ આધાર પર વેચવાલ રહ્યા કેમકે તેમણે ૩૩૮.૪૩ કરોડ રૂપિયાના શેરોનું વેચાણ કર્યું.

(8:50 pm IST)