Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કાલે સાંજના 6 વાગ્યે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ નવા ચહેરાઓને સ્થાન : રાષ્ટ્રપતિભવનમાં લેશે શપથ

કેબિનેટમાં મોટા ફેરફાર : અનેક નેતાઓને દિલ્હીનું તેડું : કેટલાક મોટા નેતાઓને સંગઠનની અપાશે જવાબદારી :એનડીએના સાથી પક્ષોને મળશે સ્થાન

નવી દિલ્હી : આવતીકાલે સાંજના 6  વાગ્યે મોદી કેબિનેટનું વિસ્તરણ થશે અને રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓ શપથ લેશે.

  કેન્દ્ર સરકારે અનેક નેતાઓને ફોન કરીને બોલાવવાનું પણ શરુ કરી દીધું છે. સૂત્રોએ જણાવ્યું કે રેલવે મંત્રી પિયુષ ગોયલ અને નાણા મંત્રી નિર્મલા સીતારામણનું ખાતુ બદલાઈ તેવી પૂરી સંભાવના છે. આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદને પણ મંત્રી પદેથી ખસેડીને ભાજપ સંગઠનમાં સ્થાન અપાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. એલજેપી કોટામાંથી રામવિલાસ પાસવાના ભાઈ પશુપતિ પારસને પણ મોદી સરકારમાં મંત્રી બનાવાય તેવી પ્રબળ સંભાવના છે

આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ અને જનતા દળના આર.પી.સિંહ દિલ્લીમાં આવી પહોંચ્યાં છે તો જ્યોતિરાદિત્ય સિંધિયા પણ દિલ્હી જવા રવાના થયા છે. એલજેપી સાંસદ પશુપતિ પારસ પણ દિલ્હી જવા રવાના થયા હોવું જણાવાય છે . 

સૂત્રોએ જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કેન્દ્રમાં તેમના 5 મંત્રી ઈચ્છે છે કારણ કે લોકસભા અને વિધાનસભામાં જેડીયુ-ભાજપે બરાબરની બેઠકો પર ચૂંટણી લડી હતી. નીતિશ કુમાર, આરસીપી સિંહ, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, રામનાથ ઠાકુર તથા ચંદ્રશ્વર ચંદ્રવંશીને મંત્રી બનાવવા માંગે છે. 

 

પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડવામાં આવી શકે છે.

(8:19 pm IST)