Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

હુડ્ડા સહિત હરિયાણાના ૨૨ ધારાસભ્યોના દિલ્હીમાં ધામા

પંજાબ બાદ હરિયાણા કોંગ્રેસમાં પણ અસંતોષ : હરિયાણામાં કોંગ્રેસ સંગઠનની લગામ હુડ્ડાને સોંપવા માગ

ચંદિગઢ, તા. : પંજાબ બાદ હવે હરિયાણા કોંગ્રેસમાં અસંતોષ ભભૂકી ઉઠયો છે અને ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. પંજાબમાં કેપ્ટન અમરિન્દર અને નવજોત સિધ્ધુ વચ્ચે સમાધાન કરાવવા માટે પાર્ટી માથાકૂટ કરી રહી છે ત્યારે હવે હરિયાણાના આંતરિક મતભેદોએ કોંગ્રેસ માટે નવો પડકાર સર્જયો છે.

હરિયાણામાં પાર્ટીમાં જૂથવાદ દેખાઈ રહ્યો છે અને મામલો જલ્દી શાંત થતો લાગતો નથી. પૂર્વ સીએમ ભુપિન્દરસિંહ હુડ્ડાના સમર્થનમાં ૨૨ ધારાસભ્યો દિલ્હીમાં ડેરા તંબૂ નાંખીને બેઠા છે અને તેમની માંગણી છે કે, હરિયાણામાં કોંગ્રેસના સંગઠનની લગામ હુડ્ડાના હાથમાં આપવામાં આવે. ધારાસભ્યોએ કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. તમામ ધારાસભ્યોએ રાજ્યની હાલની સ્થિતિનો ઉલ્લેખ કરીને મજબૂત નેતૃત્વની માંગણી કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, ભાજપ સરકારને પડકાર આપવા માટે મજબૂત સંગઠન અને નેતૃત્વ રૂરી છે.

બીજી તરફ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી શૈલજાએ ધારાસભ્યોની મુલાકાતને વધારે મહત્વ નહીં આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં પાર્ટીને વધારે મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને બેઠક તેનો એક ભાગ હતી.

ઉલ્લેખનીય છે કે, હરિયાણા કોંગ્રેસમાં ૩૧ ધારાસભ્યો છે અને તેમાંથી ૨૨ ધારાસભ્યો પૂર્વ સીએમ હુડ્ડાના જૂથના મનાય છે.

(7:19 pm IST)