Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જો ગુન્હેગાર પોલીસની અટકાયતમાંથી ભાગવાનો પ્રયાસ કરે તો અથડામણ પેટર્ન હોવી જાઇઍઃ શૂટ આઉટ્સને યોગ્ય ગણાવીને ગુન્હેગારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા

નવી દિલ્હી: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુનેગાર અને ગુનેગારો માટે કડક વલણ અપનાવતા પોલીસ અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી સરમા અનુસાર, જો ગુનેગાર પોલીસની અટકાયતમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે તો અથડામણ પેટર્ન હોવી જોઇએ. હિમંત બિસ્વા સરમાએ રાજ્યમાં તાજેતરમાં થયેલા શૂટઆઉટ્સને યોગ્ય ગણાવતા સોમવારે મહિલા માટે ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અપનાવવા સહિત અન્ય વસ્તુની વકાલત કરી છે.

સરમાએ અહી પ્રથમ વખત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મહિલા વિરૂદ્ધ ગુનેગારો સામે કડક વલણ અપનાવવા અને ઝીરો ટોલરન્સ બતાવવાના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે તમારા પોલીસ સ્ટેશનમાં હત્યા, બળાત્કાર, ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારના તમામ લંબિત કેસમાં આગામી છ મહિનામાં ફરિયાદ દાખલ થવી જોઇએ. જે પણ સહાયતાની જરૂર હોય તેની માટે પોતાના સીનિયર અધિકારીઓ, રેન્જના ડીઆઇજીનો સંપર્ક કરો.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર, સરમાએ કહ્યુ, જો કોઇ આરોપી સર્વિસ રિવોલ્વર પડાવી લે અને ભાગવાનો પ્રયાસ કરે છે અથવા પછી ભાગે છે અને જો તે બળાત્કારી છે તો કાયદા આવા લોકોના પગમાં ગોળી મારવાની પરવાનગી આપે છે.

આસામના મુખ્યમંત્રીએ કહ્યુ, જ્યારે કોઇ મને પૂછે છે કે શું રાજ્યમાં અથડામણની પેટર્ન બની ગઇ છે તો હું કહું છું કે જો ગુનેગાર પોલીસ અટકાયતમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે તો અથડામણ પેટર્ન હોવી જોઇએ.

બાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુકે પોલીસ પાસે શૂટ આઉટનો કોઇ અધિકાર નથી, તેમણે કહ્યુ કે લોકતંત્રમાં કાયદા દ્વારા ગુનેગાર સામે મુકાબલો કરવો જોઇએ, તેમણે કહ્યુ કે શૂટઆઉટ માત્ર ત્યારે જ થાય છે જ્યારે કોઇ ઉપાય નથી બચતો.

એક રિપોર્ટ અનુસાર, આસામમાં મે બાદ ઓછામાં ઓછા 12 શંકાસ્પદ ઉગ્રવાદી અને ગુનેગાર અથડામણમાં માર્યા ગયા છે કારણ કે કથિત રીતે તેમણે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, બીજી તરફ બળાત્કારના આરોપીઓ અને પશુ તસ્કરો સહિત કેટલાક અન્ય અથડામણમાં ઘાયલ થયા છે.

(5:05 pm IST)