Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બગદાદમાં અમેરિકન દૂતાવાસ ઉપર દેખાઇ અજ્ઞાત વસ્તુ

એલાર્મ સાયરન વાગતા જ એર ડીફેન્સ સિસ્ટમ થઇ એકટીવ

બગદાદ,તા.૬ : ઇરાકની રાજધાની બગદાદ ખાતેના અમેરિકન દૂતાવાસની ઉપર અચાનક આસામાનમાં અજ્ઞાત વસ્તુ દેખાતા જ એલાર્મ સીસ્ટમ શરૂ કરી દેવાઇ હતી. આ દરમ્યાન એર ડીફેન્સ સીસ્ટમ એકટીવ થઇ ગઇ હતી. ઇરાની ટેલીવીઝન ચેનલ અલ સુમારિયાએ એક સુરક્ષા સુત્રના હવાલાથી આ સમાચાર આપ્યા છે. તો એક અન્ય સુત્ર એ ટીવી ચેનલને જણાવ્યુ કે ગ્રીન ઝોનમાં એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. જ્યાં સરકારી એજન્સીઓ અને વિદેશી દૂતાવાસ આવેલા છે.

મીડીયા રિપોર્ટ અનુસાર ઇરાકમાં અમેરિકન દળો પર હુમલાઓ સતત વધી રહ્યા છે. એવુ મનાય રહ્યુ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૭ હુમલાઓ થઇ ચૂકયા છે. જેમાંથી ૬ ડ્રોન દ્વારા કરાયા હતા ડ્રોન હુમલાઓ અમેરિકન દળો માટે અલગ પડકાર ઉભા કરી રહ્યા છે. એટલુ જ નહીં એવું માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકન દળોએ સોમવારે રાત્રે પોતાના દૂતાવાસની ઉપર એક સશસ્ત્રી ડ્રોનને તોડી પાડ્યું હતું.

આ પહેલા ઇરાકના પશ્ચિમ ભાગમાં અમેરિકન સૈનિકોની એક છાવણી પર રોકેટથી હુમલો કરાયો હતો. ઇરાકી સૈન્ય દળોએ આની પુષ્ટિ કરતા કહ્યું હતુ કે બગદાદમાં અમેરિકન ડીફેન્સ સિસ્ટમે દૂતાવાસની ઉપર ચક્કર મારી રહેલ વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનને તોડી પાડ્યું હતું.

(1:35 pm IST)