Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મુકેશ અંબાણીના નાનાપુત્ર અનંતને ગ્રીન એનર્જી બિઝનેસની જવાબદારી

રિલાયન્સ દ્વારા એજીએમમાં ૭૫ હજાર કરોડના રોકાણની જાહેરાત કરેલી છે : ડ્રીમ પ્રોજેકટ માટે મુકેશ અંબાણીએ રીલાયન્સ ન્યુ એનર્જી સોલાર અને રીલાયન્સ ન્યુસોલાર એનર્જી નામની બે નવી કંપની બનાવીઃ આ બંને કંપનીઓના ડાયરેકટર તરીકે અનંત અંબાણીની પસંદગી

મુંબઇઃ હાલમાં જ રિલાયન્સ એજીએમમાં મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી બિઝનેસમાં ઉતરવાની જાહેરાત કરી હતી અને તે માટે ૭૫ હજાર કરોડ રૂપિયાના રોકાણ કરવામાં આવશે. હવે ખબર સામે આવી છે કે મુકેશ અંબાણીએ આ ડ્રીમ પોજેકટ માટે બે નવી કંપનીઓ રીલાયન્સ ન્યુ એનર્જી સોલાર અને રીલાયન્સ ન્યુ સોલાર એનર્જી બનાવી છે અને આ બંને કંપનીઓના ડાયરેકટર તરીકે પોતાના નાના પુત્ર અનંત અંબાણીની પસંદગી કરી છે.

૨૬ વર્ષીય અનંતને ફેબ્રુઆરી મહિનામાં રીલાયન્સ ઓટુસીનો ડાયરેકટર બનાવવામાં આવ્યો હતો. આ કંપનીમાં સાઉદ અરબની દિગ્ગજ ઓઇલ કંપની અરામકો ઇન્વેસ્ટર તરીકે જોડાઇ શકે છે. એક વર્ષ પહેલા અનંતને જીયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. જયાં તેનો ભાઇ આકાશ અને બહેન ઇશા પણ મેમ્બર છે.

૬૪ વર્ષના મુકેશ અંબાણીએ અત્યાર સુધી પોતાની ઉત્તરાધીકારી યોજનાનો ખુલાસો કર્યો નથી. એ જ કારણ છે કે ઇન્વેસ્ટર કોમ્પુનીટીમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે અંબાણી બાદ કઇ કંપનીની કમાન કોણ સંભાળશે. ૨૦૦૨માં ધીરૂભાઇ અંબાણીના નિધન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ઉત્તરાધીકારને લઇને વિવાદ થયો હતો. ધીરૂભાઇએ વસિયત છોડી ન હતી. જેને કારણે કંપનીના કારોબારને વહેંચવો પડયો હતો. મુકેશ અંબાણીને તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ મળ્યો તો અનિલ અંબાણીને એનર્જી, ફાયનાન્સ અને ટેલીકોમ બિઝનેસ મળ્યો હતો.

(1:35 pm IST)