Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વૈજ્ઞાનિકનો વિચિત્ર દાવો

આલ્કોહોલ સુંઘવાથી કોરોનામાંથી સાજા થઇ શકાય

અમેરિકામાં ચાલી રહ્યો છે પ્રયોગ

નવી દિલ્હી તા. ૬ : કોરોના વાયરસ આવ્યા પછી તેની કેટલાય પ્રકારની ટ્રીટમેન્ટના દાવાઓ કરાયા છે. વૈજ્ઞાનિકો કેટલાય અવનવા ઇલાજો શોધી પણ રહ્યા છે. આલ્કોહોલમાંથી બનેલ સેનેટાઇઝરથી રક્ષણ મળે જ છે પણ કોઇ એવું કહે છે કે આલ્કોહોલને સુંઘીને કોરોના સામે રક્ષણ મળશે અથવા છૂટકારો મળશે તો તમને આશ્ચર્ય થશે. થવું જ જોઇએ. અમેરિકામાં એક એવો પ્રયોગ કરાઇ રહ્યો છે જેમાં આલ્કોહોલ સુંઘીને કોરોનાથી રાહત મેળવાશે.

અમેરિકામાં આલ્કોહોલની વરાળ એટલે કે આલ્કોહોલને સુંઘીને કોરોનાનો કારગત ઇલાજ કરવાનો એક પ્રયોગ થઇ રહ્યો છે. અત્યાર સુધી પ્રયોગના ત્રણ તબક્કાના પરિણામો સામે આવ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકો બહુ ઉત્સાહિત છે. કેમકે અત્યાર સુધીના પરીક્ષણમાં થોડી મીનીટોમાં જ દર્દીને શ્વાસ લેવામાં ઘણી રાહત મળી છે.

આમ તો આલ્કોહોલની વરાળ લેવાની ટેકનીક વાયરસને ખતમ કરવાના ક્ષેત્રમાં બહુ જૂની છે પણ ફેફસામાં ઇન્ફેકશનના કેસમાં આલ્કોહોલની વરાળ સુંઘવાનો પ્રયોગ અને તેમાં સફળતા પહેલીવાર જાહેર થઇ છે. તેના પરિણામોને જોતા વૈજ્ઞાનિક કહે છે કે જો આ ટેકનીકના સાર્વજનિક ઉપયોગની મંજૂરી મળે તો તે ખરેખર મેડીકલ ક્રાંતિ થશે.

અમેરિકામાં આનુ રિસર્ચ ઘણું આગળ વધી ચૂકયંુ છે. દિલ્હીમાં આ અંગે ઘણા પ્રયોગો દ્વારા સફળતા મેળવવાથી ઉત્સાહિત વૈજ્ઞાનિક શકિત શર્માએ અમેરિકન ડ્રગ્સ વિભાગને આ અંગે પત્ર લખ્યો છે. ત્યાર પછી તેમને જે જવાબી પત્ર મળ્યો છે તે સાબિત કરે છે કે આ ટેકનીકની અસર કોરોના વાયરસ પર થાય છે એટલે કે આલ્કોહોલ સુંઘીને પણ કોરોનાને હરાવી શકાય છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બેઝીક એનડ કલીનીકલ ફાર્મેકોલોજીમાં છપાયેલ ડોકટર સૈફુલ ઇસ્લામના રિસર્ચ અનુસાર ઇથાઇલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ સુંઘવાની અસર નાક દ્વારા ફેફસા સુધી થાય છે. કોરોના વાયરસ નાક દ્વારા જ ગળા અને ફેફસા સુધી પહોંચે છે. આલ્કોહોલની ૬૫ ટકા માત્રા વાળા સોલ્યુશનને એસ્પીરીનની સાથે સીધા અથવા ઓકસીજન દ્વારા અથવા ઓકસીજન એઆરડીએસ ટેકનીકથી નાક દ્વારા શ્વાસની સાથે ફેફસા સુધી પહોંચાડાય છે.

(12:00 pm IST)