Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જર્મનીએ ભારત અને બ્રિટન સહિત ૫ દેશોના મુસાફરો પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

નવા નિયમો મુજબ કોઇ પણ વ્યકિતને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે

નવી દિલ્હી તા. ૬ : જર્મનીએ ભારતને મોટી રાહત આપી છે અને મુસાફરી પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. જર્મનીએ ભારત ઉપરાંત બ્રિટન, નેપાળ, રશિયા, અને પોર્ટુગલથી આવતા મુસાફરો ઉપરથી પણ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. હવે આ દેશોના મુસાફરો જર્મનીની મુસાફરી કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ દેશોમાં કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવ્યા હતા.

રોગ નિયંત્રણ અને રોકથામ માટે જવાબદાર જર્મન ફેડરલ સરકારી એજન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટ (RKI)એ કહ્યું કે ભારત, નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેના મુસાફરો પરથી યાત્રા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આથી જે લોકો જર્મન નાગરિક કે ત્યાંના રહીશ નથી અને દેશમાં આવવા માંગે છે તેવા લોકોને મુસાફરી કરવી સરળ થશે.

નવા નિયમો મુજબ કોઈ પણ વ્યકિતને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે. જો કે તેમણે આગમન પર કોરોના વાયરસ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે અને ૧૦ દિવસનો કવોરન્ટિન પીરિયડ જરૂરી રહેશે. હાલના નિયમો મુજબ જર્મનીમાં આ દેશોથી ફકત પોતાના નાગરિકોને જ પ્રવેશની મંજૂરી છે. જો કે તેમણે પણ ૨ અઠવાડિયા કવોરન્ટિન રહેવું પડે છે.

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટે ભારત અને બ્રિટનમાં ખુબ તબાહી મચાવી છે. ડેલ્ટા વેરિઅન્ટ ખુબ ખતરનાક છે જેણે મોટા પાયે લોકોના જીવ લીધા છે. બ્રિટનમાં સતત ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારબાદ લોકડાઉન વધારવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ ૪૦ હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા હતા. દેશમાં હજુ પણ કોરોનાના ૪ લાખ ૮૨ હજાર ૭૧ એકિટવ કેસ છે.

(11:59 am IST)