Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ગાંધી પરિવારની બહારની વ્યકિતને કોંગ્રેસના અધ્યક્ષની કમાન સોંપવા તૈયારી

કોંગ્રેસને સ્થાનિક પાર્ટીઓના દબાણ અને પરિવારના હાથમાં સત્તાની માનસિકતામાંથી બહાર લાવવા આ ત્રણ ફોર્મ્યુલા પર કામ કરાશે ? : કોંગ્રેસમાં મહત્વના પરિવાર વર્તન થવાની અટકળો થઇ રહી છે વધારે તેજ

નવી દિલ્હી તા. ૬ : કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર સિવાયની વ્યકિતને અધ્યક્ષ બનાવવાની માંગ રાહુલ ગાંધીએ રજૂ કર્યા બાદ તેમણે અધ્યક્ષ પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી ફરી એકવાર સોનિયા ગાંધીએ કોંગ્રેસની ખુરશી સંભાળી હતી. જોકે, ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષ પદ પર ગાંધી પરિવાર બહારની વ્યકિતને લાવવાની વાતોએ જોર પકડ્યું છે.

માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ પદ પર બદલાવ થઈ શકે છે. સંગઠનથી લઈને રાજયો સુધી તેની અસર જોવા મળી શકે છે. પાર્ટીની અંદર ઉઠી રહેલા તમામ વિરોધાભાસી અવાજો અને અન્ય સહયોગી દળોના દબાણ વચ્ચે પાર્ટી પોતે સક્રીય મોડમાં દેખાવા માગે છે. સૂત્રો મુજબ પાર્ટીમાં મોટા બદલાવ માટે ત્રણ ફોર્મ્યુલા નક્કી કર્યા છે.

જે હેઠળ પાર્ટીમાં ગાંધી પરિવાર સિવાયની વ્યકિતને અધ્યક્ષનું પદ મળી શકે છે. આનો વિકલ્પ એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી હજુ પણ પરિવારથી અલગ કોઈને અધ્યક્ષ બનાવવાની વાત પર કાયમ છે. એવામાં જો આ દબાણ યથાવત રહ્યું તો પાર્ટી તેના માટેની તૈયારીઓ પણ કરી શકે છે.

આવી સ્થિતિમાં રાહુલ ગાંધી લોકસભામાં નેતા વિપક્ષ બની શકે છે. બીજી ફોર્મ્યુલા હેઠળ સોનિયા ગાંધીને ૨૦૨૪ સુધી પૂર્ણકાલિન અધ્યક્ષ બનાવવા પર પાર્ટી આગ્રહ કરી શકે છે. ત્રીજી ફોર્મ્યુલા એ કે રાહુલ ગાંધીને ફરી પાર્ટી અધ્યક્ષ બનાવવાનું દબાણ કરવામાં આવી શકે છે. પાર્ટી સૂત્રો મુજબ રાહુલ ગાંધી પાસે નેતૃત્વ ફરી હાંસલ કરવા માટેનો સતત વિકલ્પ હતો, પરંતુ તેઓ પોતે આ પદ માટે તૈયાર નહોતા.

હરિયાણામાં વિરોધ પક્ષ કોંગ્રેસમાં ધમાસાણ ચાલી રહ્યું છે જે સામે આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ૨૨ ધારાસભ્યો સાથે સોમવારે કુમારી સૈલજા સામે મોર્ચો ખોલ્યો હતો. આ તમામ દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. તેમની માંગ હતી કે શૈલજાને હટાવીને હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. હુડ્ડા સમર્થક ધારાસભ્યોનો તર્ક છે કે ઓમ પ્રકાશ ચૌટાલા બહાર આવવાથી જાટ વોટબેંક સરકી શકે છે. ચૌટાલાને રોકવા માટે હુડ્ડાને 'ફ્રી-હેન્ડ' આપવાની જરૂર છે.

(10:30 am IST)