Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ડેલ્ટા વાયરસના લક્ષણ મૂળ કોવિડ-૧૯થી એકદમ અલગ છે

કોરોના વાયરસ ઘણાં સ્ટ્રેનમાં બદલાયો છે. જેમાં ડેલ્ટા વેરિયન્ટ B.1.617.2ને અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ માનવામાં આવે છે

નવી દિલ્હી,તા. ૬ : કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો ખૂબ હેરાન થયા છે. કોરોનાના નવા વેરિયન્ટના કારણે લોકો વધુ ડરી રહ્યા છે. હાલમાં જ એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે ડેલ્ટા વાયરસના લક્ષણ મૂળ કોવિડ-૧૯થી એકદમ અલગ છે.

વાયરસમાં થતાં બદલાવને મ્યુટેશન કહેવાય છે. એક અથવા એકથી વધારે નવા મ્યૂટેશનવાળા વાયરસને ઓરિજિનલ વાયરસના વેરિયન્ટના રૂપે ઓળખવામાં આવે છે. વિશેષજ્ઞ કહે છે કે જો કોરોના વાયરસની વાત હોય તો આ દ્યણાં સ્ટ્રેનમાં બદલાયો છે. જેમાં ડેલ્ટા વેરિયન્ટ B.1.617.2ને અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ માનવામાં આવે છે.

ડેલ્ટા વેરિયન્ટ મૂળ સ્ટ્રેનનું બદલાયેલું રૂપ છે માટે એવું કહેવાય છે કે મ્યુટેશન દરમિયાન લક્ષણ પણ બદલાય છે. તાવ, ઉધરસ, માથામાં દુઃખાવો અને ગળામાં ખરાશ કોવિડ-૧૯ને સામાન્ય લક્ષણ છે. પણ, નાક વહેવું જેવા લક્ષણ પહેલા કયારેય જોવા મળ્યા નથી. સૂંઘવાની ક્ષમતા ઘટવી અથવા ગુમાવવી પણ ખૂબ સામાન્ય લક્ષણ હતું.

વિશેષજ્ઞોનું માનવું છે કે લક્ષણોમાં બદલાવ પાછળ વાયરસનો વિકાસ પણ કારણ હોઈ શકે છે. ડેલ્ટા વેરિયન્ટની વિવિધ વિશેષતાઓ જોતા લક્ષણ બદલાવા સ્વાભાવિક છે. પણ, લક્ષણ કેમ બદલાઈ રહ્યા છે આ સવાલનો જવાબ નક્કી કરવો મુશ્કેલ છે. ડેલ્ટા વેરિયન્ટ વિશેની વધુ જાણકારી મેળવવી જોઈએ અને પૂરી સાવધાની રાખવી જોઈએ. તેના લક્ષણોને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. કોરોનાના લક્ષણોમાં હવે બદલાવ આવ્યો છે. સ્ટડી અનુસાર, જો તમને તાવ અને ઉધરસની સાથે તમારું નાક પણ વહી રહ્યું છે તો આ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટના મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

(10:26 am IST)