Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

IT પોર્ટલની કઠણાઇ : જુની સિસ્ટમમાં TDS ભર્યું હોવા છતાં SMS મોકલાયા

બગડેલા પોર્ટલને લીધે જૂની સિસ્ટમમાં ટીડીએસ અને ટીસીએસ ભર્યું હતું

નવી દિલ્હી,તા. ૬ : ટીડીએસ અને ટીસીએસ કાપીને ઇન્કમટેકસમાં જમા કરાવવામાં નહીં આવે તો કરદાતાએ દંડ ભરવાની સ્થિતિ ઊભી થતી હતી. તેમાં પણ નવું પોર્ટલ બરાબર ચાલતું નહીં હોવાના લીધે અનેક કરદાતાઓએ જૂની સિસ્ટમથી જ ટીડીએસ અને ટીસીએસ જમા કરાવ્યા બાદ હવે નવી સિસ્ટમ પ્રમાણે ભરવા માટેના એસએમએસ મોકલવામાં આવતા કરદાતાઓની હાલત કફોડી બની છે.

ઇન્કટેકસ વિભાગનું શરૂ થયેલું નવું પોર્ટલ કરદાતાઓ માટે સુવિધાના બદલે દુવિધા લઇને આવ્યું હોય તેવી સ્થિતિ હાલમાં સર્જાઇ રહી છે. કારણ કે એક મહિના બાદ પણ પોર્ટલના ઠેકાણા નથી. તેમાં પણ જે કરદાતાઓએ ટીડીએસ અને ટીસીએસ ભરપાઇ કરવાના થતા હતા. તેઓએ જૂની સિસ્ટમ એટલે કે આઈટીના વર્ઝન ૫.૧ પ્રમાણે ભરપાઇ કરી દીધા હતા. જો તેઓ ભરપાઇ નહીં કરે તો ૨૦૦ રૂપિયા પ્રતિ દિવસની લેટ ફ્રી પેટે ભરપાઇ કરવાની થતી હતી. જેથી કરદાતાઓએ નવું પોર્ટલ બરાબર ચાલતું નહીં હોવાથી જૂની સિસ્ટમ પ્રમાણે ટીડીએસ અને ટીસીએસ જમા કરાવી દીધો હતો. ત્યારબાદ છેલ્લા બેથી ત્રણ દિવસથી નવું પોર્ટલ ધીમે ધીમે શરૂ થયું છે. જોકે, તેમાં પણ ડેટા અપલોડ કરવાની સમસ્યા હજુ પણ યથાવત જ છે. તેમ છતાં ટીડીએસ અને ટીસીએસ ભરતા કરદાતાઓને વિભાગ દ્વારા એસએમએસ મોકલીને જાણ કરવામાં આવી છે કે જે પણ કરદાતાએ  જૂની સિસ્ટમ પ્રમાણે ટેકસ ભરપાઈ કર્યો છે તે માન્ય ગણાશે નહીં એટલે તેઓએ નવી સિસ્ટમ પમાણે ફોર્મ ભરપાઇ કરવાની સ્થિતિ ઊભી થઇ છે. આને કારણે કરદાતાઓએ ટીડીએસ અને ટીસીએસના ફોર્મ ફરીથી ભરવાની નોબત આવીને ઊભી છે.

  • કરદાતાને પરેશાન કરવા કરતાં સિસ્ટમમાં સુધારો કરવો જોઇએ

જાણકારો દ્વારા એવો મત આપવામાં આવ્યો છે કે ટીડીએસ અને ટીસીએસ ભરનાર કરદાતા જૂની કે નવી સિસ્ટમ પ્રમાણે ટેકસ ભરપાઇ કરે તેનો તમામ ડેટા સહિતની વિગતો વિભાગ પાસે હાલમાં છે જ જેથી તેના આધારે જ કાર્યવાહી પુરી કરી દેવામાં આવે તો કરદાતાઓએ વધારાની વિગતો ભરવામાંથી છુટકારો મળી શકે તેમ છે. જયારે પોર્ટલ પર થોડા ઘણા ફેરફાર કરવામાં આવે તો આ સુવિધા ઊભી કરી શકાતી જ હોય છે. તેમ છતા કરદાતાઓને ખોટી રીતે હેરાન કરવામાં કોઇ કચાશ રાખવામાં આવતી નહીં હોવાથી આવા મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો પણ બળાપો કરદાતાઓએ વ્યકત કર્યો છે.

(10:23 am IST)