Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

યુપીની હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી યુવતીને ૨૨મી જુલાઈ સુધી સુરક્ષા આપવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

યુવતીએ કોર્ટને કહ્યું કે તેણે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હોવા છતાં તેના પર જીવનું જોખમ

નવી દિલ્હી : હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી યુવતીને ૨૨મી જુલાઈ સુધી સુરક્ષા આપવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટે કર્યો હતો. યુવતીએ કોર્ટને કહ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હોવા છતાં તેના પર જીવનું જોખમ છે.

 ઉત્તર પ્રદેશની એક યુવતીએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો તેને લઈને ભારે વિવાદ થયો હતો. એ પછી યુવતીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે તેણે તેની મરજીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેમ છતાં ઉત્તર પ્રદેશમાં તેના પરિવારજનો પર અને તેના પર જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે. યુવતીએ કહ્યું હતું કે તેણે મરજીથી ધર્માંતરણ કર્યું હોવા છતાં ઉત્તર પ્રદેશ પોલીસ અને અમુક સંગઠનના લોકો તેની પાછળ પડી ગયા છે. ઘણાં કટ્ટરવાદી સંગઠનો તેના પર હુમલો કરે તેવી દહેશત છે એટલે તેને મળેલી સુરક્ષા વધારવી જોઈએ.
આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે યુવતીની સુરક્ષા ૨૨મી જુલાઈ સુધી વધારી આપી હતી. દિલ્હી પોલીસને યુવતીની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી જુલાઈ માસમાં થાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચન પણ હાઈકોર્ટે કહ્યું હતું.
યુવતીએ ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ વતી કોઈ હાઈકોર્ટમાં હાજર ન રહેતા હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી. આગામી સુનાવણીમાં હાજર રહેવાની તાકીદ કરી હતી.

(12:39 am IST)