Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

પેટ્રોલિયમનું ઉત્પાદન વધારવા મુદ્દે ઓપેક દેશોની બેઠકમાં સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે મતભેદ : કોઈ નિર્ણય નહીં

સાઉદી અરબ વર્તમાન ઉત્પાદનનો કરાર આવતા વર્ષે એપ્રિલ સુધી લંબાવવા મક્કમ : યુએઈ ઉત્પાદન વધારવાઇચ્છુક

નવી દિલ્હી : પેટ્રોલિયમનું ઉત્પાદન વધારવા મુદ્દે ઓપેક દેશોની બેઠક મળી હતી,બેઠકમાં બે મહત્વના તેલ ઉત્પાદક દેશો - સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઈ) વચ્ચે મતભેદો થતાં બેઠકમાં કોઈ જ નિર્ણય લેવાયો ન હતો.
  યુએઈ અને સાઉદી બંને લાંબાં સમયથી સહયોગી રહ્યા હોવા છતાં તેલ ઉત્પાદન મુદ્દે બંને વચ્ચે ભારે મતભેદો જોવા મળ્યા હતા. સાઉદી અરેબિયા વર્તમાન પેટ્રોલિયમ ઉત્પાદન કરારને આગામી એપ્રિલ સુધી લંબાવવા ઈચ્છે છે. પરંતુ યુએઈ ઉત્પાદન વધારવા માગે છે. યુએઈના પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે વર્તમાન કરારમાં જો યુએઈને ઉત્પાદનનો ક્વોટા વધારવાની પરવાનગી આપવામાં ન આવે તો એ ગેરવાજબી ગણાશે

   યુએઈએ કહ્યું હતું કે અત્યારે બજારમાં કાચા તેલની ખૂબ જ અછત હોવાથી ઉત્પાદન વધારવું જરૃરી બની ગયું છે.યુએઈએ સાઉદી જેટલાં જ પેટ્રોલિયમ ઉત્પાદનની માગણી મૂકી છે. સાઉદી અરબના પ્રયાસોથી પેટ્રોલિયમમાં ઓપેક દેશોએ ઉત્પાદનની એક મર્યાદા નક્કી કરી હતી. તેનાથી વધુ ઉત્પાદન ઓપેક દેશો કરતા નથી.
યુએઈની માગણી છતાં સાઉદી અરબ વર્તમાન ઉત્પાદનનો કરાર આવતા વર્ષે એપ્રિલ સુધી જાળવી રાખવા ઈચ્છે છે. આવતા વર્ષ સુધી પેટ્રોલિયમના ઉત્પાદનનો જથ્થો ન વધારવાની સાઉદી અરબ તરફેણ કરે છે.
 આ મુદ્દે બંનેમાંથી એક પણ દેશ નમતું મુકવા તૈયાર ન હોવાથી ઓપેકની બેઠકોમાં કોઈ જ નિર્ણય લેવાતો નથી. ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ જ નિર્ણય લેવાયો ન હતો. ઓપેક ઉપરાંત જે તેલ ઉત્પાદક દેશો છે એનો પણ ઓપેક પ્લસમાં સમાવેશ થાય છે. જેમાં રશિયા પણ સામેલ છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં કોરોનાના કારણે કાચા તેલની માગ ખૂબ ઘટી જતાં તેને સંતુલિત કરવા માટે ઓપેક દેશોએ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. માગ ફરીથી વધતા હવે ઉત્પાદન વધારવાનું દબાણ પણ ઓપેક દેશો પર વધ્યું છે.

(12:05 am IST)