Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

નવી ઉપાધિ :ડેલ્ટા વેરિએન્ટ્સ પર કોરોના રસીઓ 8 ગણી ઓછી અસરકારક : નવા સંશોધનમાં ખુલાસો

વુહાન સ્ટ્રેન કરતાં પણ આ પ્રકાર વધુ ચેપી: શ્વસનતંત્રમાં પણ વધુ ગંભીર ચેપનું કારણ બને છે

નવી દિલ્હી :કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ આ સમયે વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે હાલની કોરોના રસીઓ દ્વારા ઉત્પન્ન કરાયેલ એન્ટિબોડીઝ ડેલ્ટા વેરિઅન્ટ સામે 8 ગણી ઓછી અસરકારક છે. વુહાન સ્ટ્રેન કરતાં પણ આ પ્રકાર વધુ ચેપી છે. આ અભ્યાસ દિલ્હીની ગંગા રામ સહિત દેશની ઘણી હોસ્પિટલોના 100 આરોગ્ય સંભાળ કર્મચારીઓ પર કરવામાં આવ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ આ અધ્યયનમાં સામેલ થયા હતા.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ ઉપર હાલની રસી બહુ અસરકારક નથી તો સાથે તે શ્વસનતંત્રમાં પણ વધુ ગંભીર ચેપનું કારણ બને છે. આ ઉપરાંત, તેના સંક્રમણની સંભાવના પણ બહુ વધારે છે.

તાજેતરમાં, યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઇસીડીસી) એ પણ કહ્યું છે કે - હાલની સિઝનમાં ડેલ્ટા વેરિઅન્ટ ખરાબ રીતે ફેલાય તે ખૂબ સંભવ છે. ખાસ કરીને એવા યુવાનોમાં જેમને હજી રસી લીધી નથી. એજન્સીએ કહ્યું છે કે - નવો ડેલ્ટા વેરિઅન્ટ વધુ ચેપી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટના અંત સુધીમાં, યુરોપના 90 ટકા કેસો આ નવા ડેલ્ટા વેરીએન્ટ સાથે સંબંધિત હશે. એજન્સીનો અંદાજ છે કે ડેલ્ટા વેરિઅન્ટ તેના પૂર્વગામી, આલ્ફા વેરિએન્ટ કરતા 40-60 ગણો વધુ ચેપી હોઈ શકે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા તાજેતરમાં અપાયેલી માહિતી મુજબ હાલમાં દેશમાં કુલ કેસના 96 ટકા નવા ડેલ્ટા વેરિયન્ટના છે. જર્મનીમાં પણ ડેલ્ટા વેરિઅન્ટના કારણે નવા કોરોના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલએ પણ યુરોપને ચેતવણી આપી હતી કે ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવધ રહેવું. ડેલ્ટા વેરિઅન્ટના કારણે રશિયા પણ વધેલા કેસો સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ડેલ્ટા વેરિયન્ટને કારણે ઇઝરાઇલ અને ઓસ્ટ્રેલિયામાં પણ કેસ વધી રહ્યા છે.

(12:00 am IST)