Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

IPL- 2022:લખનૌ સુપર જાયન્ટ્સે 12 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું : સતત બીજી જીત

લખનૌના લાઇટ અવેશ ખાને 24 રનમાં 4 વિકેટ લીધી હતી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે સતત બીજી જીત મેળવી છે. લખનૌ ટીમે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને 12 રને હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ લખનૌ ટીમના પોઇન્ટ ટેબલમાં 4 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ હૈદરાબાદે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદની આ સતત બીજી હાર છે.

170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની શરૂઆત ખાસ સારી રહી ન હતી. ટીમનો ઓપનર અભિષેક શર્મા માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સુકાની કેન વિલિયમ્સન પણ કંઈ ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો.હતો

સુકાની કેન વિલિયમસનના આઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી અને માર્કરામે ટીમની કમાન સંભાળી હતી. રાહુલ ત્રિપાઠી 30 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આક્રમક 44 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ નિકોલસ પૂરન અને વોશિંગટન સુંદરે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિકોલસ પૂરન 34 રને આઉટ થયા બાદ કોઈ પણ બેટ્સમેન ખાસ કંઈ કરી શક્યું ન હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌના લાઇટ અવેશ ખાને 24 રનમાં 4 વિકેટ લીધી હતી.

ટોસ હારીને લખનૌ ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતરી હતી. લખનૌ માટે શરૂઆત બહુ ખાસ રહી ન હતી. ટીમની પ્રથમ 3 વિકેટ માત્ર 27 રનમાં જ પડી ગઈ હતી. ત્યારબાદ સુકાની લોકેશ રાહુલ (68) અને દીપક હુડ્ડાએ (51) ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 87 રનની ભાગીદારી કરી હતી.

આ બંનેની ઇનિંગ્સના આધારે લખનૌ સુપર જાયન્ટ્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. હૈદરાબાદના વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ અને ટી નટરાજને 2-2 વિકેટ લીધી હતી.

(1:06 am IST)