Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

લીંબુનો કિલોનો ભાવ ૨૦૦ અને લીલા મરચાનો ૧૨૦ રૂપિયા !

લીંબુમાં છેલ્લા ૫૦ વર્ષમાં મરચામાં ૧૦ વર્ષમાં સૌથી વધુ ભાવ વધારો : બે મહિના પહેલા ૭ થી ૧૦ રૂપિયે કિલોએ મળતા મરચા હાલમાં ૧૨૦થી વધુના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે

અમદાવાદ તા. ૪ : લીંબુ અને મરચાના આસમાને પહોંચેલા ભાવે ગરીબ અને મધ્‍યમવર્ગની હાલત કફોડી કરી નાંખી છે. છૂટક બજારમાં લીંબુ ૨૦૦થી ૨૨૦ રૂપિયે કિલો અને મરચા ૧૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. વેપારીઓના મતે લિંબુમાં છેલ્લા  ૫૦ વર્ષમાં ન જોવા મળ્‍યો હોય તેવો તોતિંગ ભાવ હાલમાં જોવા મળી રહ્યો છે , જયારે મરચાના વેપારીઓ જણાવી રહ્યા છેકે છેલ્લા ૧૦ વર્ષમાં તેઓએ લીલા મરચાના આટલા બધા વધેલા ભાવ જોયો નથી.
આજથી બે-ત્રણ મહિના પહેલા હોલસેલમાં ૫ થી ૬ રૂપિયો કિલોના ભાવે મળતા લીલા મરચા હાલમાં ગુણવત્તા મુજબ ૬૦ થી ૯૦ રૂપિયાના ભાવે જમાલપુર શાકમાર્કેટમાં મળી રહ્યા છે. માલની અતિભારે અછત હોવાથી આ ભાવ બોલાઇ રહ્યો છે શહેરના વિવિધ વિસ્‍તારોમાં મરચા માંગ મુજબ ૧૨૦થી માંડીને ૧૫૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. છૂટક બજારમાં બે મહિના પહેલા ૭ થી ૧૦ રૂપિયે મળતા મરચાનો ભાવ હાલમાં ૧૨૦ને આંબી ગયો છે !
જમાલપુર શાકમાર્કેટના લીલા મરચાના વેપારી હરિશભાઇ ટેકચંદાનીના જણાવ્‍યા મુજબ  દૈનિક ૫૦ થી ૬૦  ટન માલની જરૂરિયાત સામે હાલમાં રોજની ફક્‍ત ૨૫  ટન માલની આવક હોવાથી આ તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્‍ય રીતે વર્ષમાં બે વખત કિલોના ભાવ ૪૦ થી ૫૦  રૂપિયા થતા હોય છે પરંતુ આ વર્ષે મહત્તમ ભાવ વધારો દેખાયો છે. હાલમાં ગુજરાતમાં વેરાવળ-સોમનાથથી માલ આવી રહ્યો છે. આણંદમાંથી માલની આવક બંધ થઇ છે. આગામી ૨૦ દિવસમાં પંજાબ અને રાજસ્‍થાનથી માલની આવક શરૂ થશે ત્‍યારબાદ ભાવ કાબૂમાં આવશે. ભાવ વધારા માટે વેપારીઓ કુદરતી પરીબળોને જવાબદાર માની રહ્યા છે.
લિંબુના ભાવ વધારા અંગે લિંબુના વેપારી ચિરાગ પ્રજાપતિના જણાવ્‍યા મુજબ હાલમાં લિંબુની આવક ફક્‍ત આંધ્રપ્રદેશ રાજયમાંથી થાય છે. કર્ણાટક, મહારાષ્ટ્રની આવકો બંધ થઇ ગઇ છે. સ્‍થાનિક સ્‍તરે ભાવનગરથી પણ આવકો સદંતર બંધ થઇ ગઇ હોવાથી  ભારે અછત લિંબુના ભાવ વધ્‍યા છે. હાલમાં અમદાવાદમાં રોજ ૩૦ થી ૪૦  ટન માલ આવી રહ્યો છે. ગુજરાતમાં થોડા મહિના પહેલા આવેલા વાવાઝોડામાં ભાવનગરમાં લિંબુના ઝાડ જળમુળમાંથી ઉખડી ગયા હતા જેના કારણે આ વર્ષે ભાવનગરથી લિંબુનો માલ જોઇએ તેટલી માત્રામાં આવ્‍યો નથી.
રમઝાન અને ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ તેમજ ઉનાળામાં ગરમીમાં લિંબુ પાણીની માંગ હોવાથી લિંબુની માગ વધારે છે. જમાલપુર માર્કેટમાં લિંબુ હોલસેલમાં ૧૭૦થી ૨૦૦ના ભાવે વેચાઇ રહ્યા છે. શહેરના વિવિધ ભાગોમાં છૂટક બજારમાં લિંબુના ભાવ કિલોએ ૨૨૦ થી ૨૫૦ સુધી પહોંચી ગયા છે. આગામી મે માસની ૧૫ તારીખ પછી લિંબુના નવી આવકો શરૂ થશે ત્‍યારે ભાવમાં અંકુશ આવશે તેવી ધારણા છે.

 

(10:50 am IST)