Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોંઘવારીને વધુ એક માર :ફરી પેટ્રોલ - ડીઝલમાં લીટરે 40-40 પૈસા વધ્યા :સીએનજી પર પણ 80 પૈસાનો વધારો

છેલ્લા 14 દિવસમાં રવિવારે 12મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો : અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 8.40 રૂપિયા પ્રતિ લીટરે વધ્યા : સીએનજીના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ કિલોગ્રામનો વધારો

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા 14 દિવસમાં રવિવારે 12મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રવિવારે સીએનજીની કિંમતોમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સીએનજીની કિંમતમાં ત્રીજીવાર વધારો થયો છે. આ નવો ભાવ વધારો સોમવારે સવારે 6 કલાકથી લાગૂ થશે. 

તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ, બંને માટે 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બે સપ્તાહની અંદર આ 12મી વખત વધારો છે. આ વધારા સાથે અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 8.40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 103.81 રૂપિયાનું થઈ જશે, તો ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.

સીએનજીના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીની નવી કિંમત 61.61 રૂપિયા પ્રતિ કિલો હશે. સીએનજીની કિંમતમાં એક સપ્તાહમાં ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સીએનજીમાં એક સપ્તાહમાં 2.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે.

(9:53 am IST)