News of Wednesday, 3rd January 2018

મહારાષ્ટ્ર હિંસાઃ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ફરિયાદ

પુનાની હિંસાની આગ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઇઃ જિજ્ઞેશ મેવાણી પર ગંભીર આરોપઃ ઘટના પર શરૂ થઇ ગયું રાજકારણ

પુના તા. ૩ : પુનામાં ભીમા-કોરેગાંવ યુદ્ઘના ૨૦૦ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન હિંસા ભડકી ગઈ છે. જેની આગ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે. આ હિંસામાં એક વ્યકતનું મોત થઈ ગયું, જયારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાજયમાં વધતા હિંસક પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. રાજય સરકારે ન્યાયિક તપાસના આદેશ આપી દીધા છે.

આ દરમિયાન મંગળવારે સાંજે પૂનાના બે યુવાનો અક્ષય વિક્કડ અને આનંદ ડોન્ડના પુનાના ડેક્કન પોલીસ મથકમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેઅનયુના વિઘાર્થી ઉમર ખાલિદ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે, જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદે કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યા હતા. ફરિયાદકર્તાઓનું માનીએ તો જિગ્નેશ મેવાણીના ભાષણ બાદ જ મહારાષ્ટ્રમાં જાતીય હિંસા ભડકી ઉઠી. કેમકે, ભાષણ દરમિયાન જિગ્નેશ મેવાણીએ એક ખાસ વર્ગને રસ્તા પર ઉતરી વિરોધ કરવા ઉશ્કેર્યા, તે પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પછી ધીરે-ધીરે ભીડે હિંસક રૂપ લઈ લીધું. ફરિયાદકર્તાઓ મુજબ, પુના હિંસા માટે આ બંને જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ કાર્યક્રમ દરમિયાન જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, આગામી ૧૪મી એપ્રિલે નાગપુરમાં જઈ આરએસએસ મુકત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રકાશ આંબેડકર, પૂર્વ ન્યાયાધીશ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન વગેરે ઉપસ્થિત હતા.

તપાસના આદેશ બાદ પણ રાજયમાં હિંસાનો માહોલ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે, અલગ-અલગ જગ્યાએથી ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પુના હિંસાની આગ હવે મુંબઈ તરફ વધવા લાગી છે. સરકાર એક તરફ હિંસક સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તો કેટલાક રાજકીય પક્ષો આ ઘટના પર રાજકારણ રમવા લાગ્યા છે. ભારિપા બહુજન મહાસંઘના રાષ્ટ્રીય નેતા પ્રકાશ આંબેડકર સહિત દલિત ગ્રૂપે બુધવારે મહારાષ્ટ્ર બંધનું આહવાહન કર્યું છે. જોકે, તેમણે આ હિંસાને જાતીય હિંસા નથી માની. રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર્તા પુનામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

(3:31 pm IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST