Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

શ્રીલંકામાં ભારતીય ડ્રોપ્સને લીધે ૩૦ લોકોની આંખમાં ઈન્ફેક્શન

ભારતમાંથી મોટા પ્રમાણમાં દવાઓની નિકાસ થાય છે:આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે

કોલંબો, તા.૨:ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. કારણકે દુનિયાના ઘણા દેશોમાં ભારતમાં બનેલી દવાઓ એક્સપોર્ટ થાય છે.

જોકે સમયાંતરે ભારતની દવાઓને લઈને દુનિયાના દેશો સવાલો પણ ઉઠાવતા રહે છે. શ્રીલંકામાં પણ આવો જ વિવાદ જાગ્યો છે અને તેમાં ગુજરાતની કંપની ઈન્ડિયાના ઓપ્થેલમિક્સ દ્વારા બનાવવામાં આવેલા આઈ ડ્રોપના કારણે ૩૦ જેટલા લોકોને આંખોમાં ઈન્ફેક્શન થયુ હોવાનો આરોપ લગાવાયો છે.

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને કંપની પાસે બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો છે. બીજી તરફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન કંપની દ્વારા બનાવવામાં આવતા આઈ ડ્રોપ્સની ગુણવત્તાની તપાસ પણ શરૃ કરી દીધી છે.

સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ફાર્માએક્સલ એજન્સીનુ કહેવુ છે કે, કંપની તરફથી ખરાબ આઈ ડ્રોપના સપ્લાયના કારણે ભારતના સમગ્ર ફાર્મા ઉદ્યોગની ઈમેજ ખરાબ થઈ છે અને તેના કારણે ભારતીય કંપનીઓની એક્સપોર્ટ પર અસર પડી શકે છે.

બીજી તરફ ગુજરાતની આ કંપનીએ પોતાના આઈ ડ્રોપ્સમાં ગુણવત્તાને લઈને કોઈ સમસ્યા નહીં હોવાનો દાવો કર્યો છે.

જોકે ચિંતાનજક વાત એ છે કે, એક વર્ષમાં ચોથી વખત એવુ બન્યુ છે જેમાં ભારતમાં તૈયાર થયેલી દવાઓની ગુણવત્તાને લઈને બીજા કોઈ દેશે સવાલો ઉઠાવ્યા હોય.

આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ અમેરિકામાં ત્રણ લોકોના મોત અને દ્રષ્ટિ ગુમાવવાની ઘટનામાં ચેન્નાઈની એક કંપનીની દવાને જવાબદાર માનવામાં આવી હતી. જોકે આ મામલામાં જ્યારે તપાસ કરવામાં આવી તો પરિણામ કંપનીની તરફેણમાં આવ્યુ હતુ.

(7:44 pm IST)